હાલ ગલ્ફ દેશોના પ્રવાસે રહેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ભારત સહિતના વિશ્વના ઉદ્યોગપતિઓ અને ટોચના મહાનુભાવોની હાજરીમાં એવો દાવો કર્યો છે કે ભારતે અમેરિકા સાથેની વ્યાપાર સમજુતીમાં ઝીરો ટેરીફની ઓફર કરી છે.
ટ્રમ્પ તેમની મુલાકાતના ત્રીજા દિવસે કતારના પાટનગર દોહા પહોંચી ગયા હતા અને રાત્રીના તેઓએ એક ડીનર બેઠકમાં પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે અમેરિકી ઉત્પાદનો અને સેવાઓને ભારત ઝીરો ટેરીફ હેઠળ તેમના દેશમાં આવકારવા તૈયાર છે.
અગાઉ તા.30 એિ5્રલના રોજ ટ્રમ્પે ભારત સાથેની વ્યાપાર સમજુતી ખુબ જ સારી રીતે આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. એક તબકકે તો અમેરિકા અને ભારત વચ્ચે સૌપ્રથમ વ્યાપાર ડીલ થઇ જશે તેવા સંકેત હતા. પણ બાદમાં બ્રિટન, ચીન સાથે અમેરિકાએ તેની વ્યાપાર સમજુતી લગભગ પૂરી કરી છે.
હવે ભારત પરના અગાઉ લદાયેલા ટેરીફ મુદે તા.7 જુલાઇના રોજ 90 દિવસની મુદત પૂરી થઇ રહી છે તે સમયે ટ્રમ્પનું આ વિધાન અત્યંત મહત્વનું છે. ભારતે તા.9 મેના રોજ એક વાતચીત સમયે અમેરિકી ઉત્પાદનો માટે ભારતના ટેરીફમાં 4 થી 9 ટકાનો ઘટાડો કરવા અને સરેરાશ 13 ટકા ટેરીફની ઓફર કરી છે.
આગામી સપ્તાહે જ વ્યાપાર મંત્રી પિયુષ ગોયલ ફરી એક વખત અમેરિકા જઇ રહ્યા છે અને આ માસના અંત સુધીમાં બંને દેશો વચ્ચે વ્યાપાર સમુજતી થઇ જવાનો સંકેત છે.