લેહથી સિર ક્રીક સુધી ૪૦૦ ડ્રોન છોડવામાં આવ્યાં, ભારતે L70, ZU-23, શિલ્કા અને આકાશ સહિતની મિસાઇલવિરોધી સિસ્ટમોનો ઉપયોગ કરીને હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા
પાકિસ્તાન દ્વારા ભારતનાં વિવિધ શહેરો પર કરવામાં આવેલા હુમલા બાબતે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ગઈ કાલે સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જાણકારી આપતાં જણાવવામાં આવ્યું હતું કે એમાં ટર્કી નિર્મિત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ ડ્રોનને ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં.આ ડ્રોનની પ્રારંભિક ફૉરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે એ ટર્કીએ બનાવેલાં અસિસગાર્ડ સોંગાર મૉડલ હતાં. નજર રાખવા કે ચોક્કસ હુમલો કરવા એનો ઉપયોગ થાય છે.
આર્મી કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે રાતે ૮થી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર ભારતીય હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કર્યું હતું. લેહ, કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી ભારતનાં ૩૬ સ્થાનો પર પાકિસ્તાને લગભગ ૩૦૦થી ૪૦૦ ડ્રોન છોડ્યાં હતાં. તેમનો ઉદ્દેશ સૈન્યનાં મથકોને ટાર્ગેટ કરવાનો હતો. જોકે ભારતનાં સુરક્ષા દળોએ કાઇનેટિક અને નૉન-કાઇનેટિક સાધનોનો ઉપયોગ કરીને પાકિસ્તાનનાં ડ્રોન તોડી પાડ્યાં હતાં. પાકિસ્તાની સેના અને પાકિસ્તાને આપણી હવાઈ સીમામાં ઘૂસીને આપણી ઍર ડિફેન્સ સિસ્ટમને ચકાસવા અને ગુપ્ત માહિતી મેળવવા આ રીતે પ્રયાસ કર્યો હતો. આ સિવાય લાઇન ઑફ કન્ટ્રોલ પર ભારે કૅલિબરનાં હથિયારો સાથે ગોળીબાર કર્યો હતો.’
ઇન્ડિયન ઍરફોર્સનાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ-બ્રીફિંગમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાની હુમલાના જવાબમાં ભારતે એમની ચાર ઍર ડિફેન્સ સાઇટ પર સશસ્ત્ર ડ્રોન લૉન્ચ કર્યાં હતાં અને એક ભારતીય ડ્રોનને પાકિસ્તાનના ઍર ડિફેન્સ રડારને નષ્ટ કરવામાં સફળતા મળી હતી. ઍરફોર્સે L70, ZU-23, શિલ્કા અને આકાશ સહિતની મિસાઇલવિરોધી સિસ્ટમોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના ડ્રોન હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં ઉરી, પૂંછ, મેંઢર, રાજૌરી, અખનૂર અને ઉધમપુરમાં હેવી કૅલિબર આર્ટિલરી ગન અને આર્મ્ડ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવાની કોશિશ કરી હતી જેને કારણે ભારતીય સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને જબરદસ્ત નુકસાન થયું હતું. રાતે પરિસ્થિતિ ત્યારે બગડી હતી જ્યારે પાકિસ્તાને એક સશસ્ત્ર અનમૅન્ડ એરિયલ વેહિકલ (UAV) દ્વારા બઠિંડા આર્મી સ્ટેશનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમે એને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધું હતું.’પાકિસ્તાને કરેલા હુમલાનો જવાબ આપવા માટે ભારત હવાઈ માર્ગનો ઉપયોગ કરશે એ જાણતા હોવાથી પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારત પર ઉશ્કેરણી વિના ડ્રોન હુમલો કરવા છતાં પાકિસ્તાને એનો ઍરસ્પેસ નાગરી વિમાનોના ઉડ્ડયન માટે બંધ કર્યો નહોતો. આ સંદર્ભમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું હતું કે ‘પાકિસ્તાને ૭ મેએ રાતે ૮.૩૦ વાગ્યે ઉશ્કેરણી વિના નિષ્ફળ ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હોવા છતાં તેણે એના નાગરિક હવાઈ ક્ષેત્રને બંધ કર્યું નહોતું. પાકિસ્તાન સારી રીતે જાણે છે કે ભારત પર હુમલો કરવામાં આવશે તો એનો પ્રત્યુત્તર હવાઈ હુમલા દ્વારા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઊડતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આ સલામત નથી.’
ફ્લાઇટ રડાર-24નો ડેટા દર્શાવતાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વધુમાં જણાવ્યું હતું કે ‘ઍરબસ ૩૨૦ નામની એક નાગરિક ઉડ્ડયન ફ્લાઇટ દમ્મામથી ૧૭.૫૦ વાગ્યે ઊપડી હતી અને ૨૧.૧૦ વાગ્યે લાહોરમાં ઊતરી હતી. અમે ભારતના પશ્ચિમ ભાગમાં ઍરપોર્ટ બંધ કરી દીધાં છે. આથી ભારતીય બાજુનું હવાઈ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન ટ્રાફિકથી સંપૂર્ણપણે બંધ છે. જોકે કરાચી અને લાહોર વચ્ચે સિવિલ ફ્લાઇટ્સ ઊડી રહી છે.’