શહેરના બોપલ વિસ્તારમાંથી પોલીસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ક્લબ O7માં એક મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનું આયોજન હતું જ્યાં બોપલ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન એક યુવતી સહિત કુલ 9 લોકો ઝડપાયા હતા જેમાંથી 6 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ત્રણ લોકો પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે બે BMW સહિતની મોંઘીદાટ કારો પણ કબ્જે કરી છે.
બોપલ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ક્લબ O7ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે. જેના આધારે બોપલ પોલીસે રેડ કરી હતી અને એક યુવતી સહિત નવ લોકોને ઝડપી લીધા હતા. નબીરાઓએ Club O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસની રેડ દરમિયાન રાહુલ ગોસ્વામી, હેમલ દવે, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, 2 BMW કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હેમલ દવેએ દારૂ અને ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમલ દવે વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે અને રાતના 12:30 સુધી મ્યુઝિકલ ડાન્સ ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.