અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે (29 મે, 2025) સવારે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલ આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાના-મોટા કાચાં-પાકાં મકાનો હતા, જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યા છે.
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમાંના 76 લોકો હજી પણ અહીંયા રહેતા હતાં. ત્યારે આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે બાદ ફરીથી દબાણ ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવી દેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તાર તરીકે ઓળખાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરી સાથે 100 મજૂર સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે. ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. ગેરકાયદે બાંધકામોને જેતે સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી.