કેનેડામાં ભારતીયોની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં એક યુવાનની હત્યા બાદ હવે એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થીની કામ પર જઈ રહી હતી.
ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી.ત્યારે કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી.
આ સમગ્ર મામલે, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ’ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુ:ખ થયું છે.
સ્થાનિક પોલીસના મતે, તે એક નિર્દોષ પીડિતા હતી જેનું બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.’ હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેના ઝઘડાનું પરિણામ હતું, કારણ કે કાળી કારમાં સવાર એક યુવકે સફેદ સેડાન પર ગોળીબાર કર્યો હતો. બસ સ્ટોપ પર ઉભેલી એક વિદ્યાર્થિની છાતીમાં ગોળી વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું.