રવિન્દ્ર ભારતી નામના યુટ્યુબર ફિનઇન્ફ્લ્યુએન્સર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ના નામે બે યુટ્યુબ ચેનલ ચલાવતાં હતા. તેમને અને તેની સાથેના અન્ય લોકોને સેબીએ 4 એપ્રિલ 2025 સુધી શેરબજારમાં કામકાજ કરવાથી પ્રતિબંધિત કર્યા છે અને ઇન્સ્ટિટ્યૂટના નામે લોકો પાસેથી મેળવેલ રૂ.9.5 કરોડ ડીસગોર્જ કરવા પણ હુકમ કર્યો છે. સાથે જ તેઓ હવે હાલની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના નામે શેરબજારની સલાહ આપવાનું કે અન્ય કોઈ કામગીરી હાથ ધરવાનું કામ નહીં કરી શકે.
તા. 10 ડિસેમ્બર રોજ સેબીના પૂર્ણકાલીન સભ્ય શ્રી અશ્વની ભાટિયાએ રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ મામલામાં રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ પ્રાઈવેટ લિમિટેડ, રવિન્દ્ર બાલુ ભારતી, શુભાંગી રવિન્દ્ર ભારતી, રાહુલ અનંતા ગોસાવી અને ધનશ્રી ચંદ્રકાંત ગિરિ સામે શિક્ષાત્મક પગલાંનો હુકમ કર્યો છે. રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ રોકાણકારોને શેરબજારમાં તાલીમ આપવાનો અને તેમના દ્વારા શીખવવામાં આવેલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી રોકાણકારો વાર્ષિક 25 ટકા થી દસ વર્ષમાં 1000 ટકા જેવુ રિટર્ન કામવી શકે છે તેવો દાવો કરતું હતું. સેબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હુકમમાં જણાવ્યા મુજબ એક જ રોકાણકાર પાસેથી એક જ દિવસમાં એક થી વધારે બિલ સામે નાણાં લેવામાં આવતા હતા, એક જ રોકાણકારને એક થી વધુ તાલીમ-અભ્યાસક્રમો વેચવામાં આવતા હતા.
સાથે જ આ હુકમમાં જણાવવામાં આવ્યું છે કે, તથાકથિત એકેડેમીક સંસ્થા રવિન્દ્ર ભારતી એજ્યુકેશન એક શેરબ્રોકરના ઓથોરાઇઝ પર્સન (AP)ની ઓફિસમાંથી ધંધો-વેપાર ચલાવતું હતું અને ગ્રાહકોના સોદા આ AP મારફત થતાં હતા.
ઉલ્લેખનીય છે કે, સેબીના એડ્જ્યુડિકેટિંગ ઓફિસરે તા.28 નવેમ્બરના હુકમથી એન્જલ વનના ઇન્સેપેક્ષન સંબધિત મામલામાં બ્રોકરેજ કંપનીને રૂ. 6 લાખનો દંડ ફટકાર્યો છે. તા. 28 નવેમ્બરના હુકમમાં જણાવ્યા મુજબ, અન્ય બાબતોની સાથે-સાથે, એન્જલ વને તે બાબતની પૂરતી તકેદારી રાખી નહોતી કે તેના ઓથોરાઇઝ પર્સનની ઓફિસમાથી તથાકથિત શેર-ટ્રેડિંગની તાલીમ કે એડવાઈઝરી આપતી પેઢી કામકાજ કરી રહી હતી.
નોંધનીય છે કે સેબીના પૂર્ણકાલીન સભ્યના તા.10 ડિસેમ્બરના હુકમમાં જણાવવામાં આવ્યું છે કે, એડવાઈઝરી સર્વિસિસના નામે રવિન્દ્ર ભારતી ઈન્સ્ટિટ્યૂટે જાન્યુઆરી 2018 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં લગભગ રૂ. 12 કરોડ થી વધુની રકમ ગ્રાહકો પાસેથી મેળવી હતી. ઉક્ત હુકમમાં સેબીએ આવી રીતે ગ્રાહકો પાસેથી મેળવેલ તમામ રકમ ઇન્વેસ્ટર પ્રોટેક્સન ફંડમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે. સાથે જ રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ, રવિન્દ્ર બાલુ ભારતી, શુભાંગી રવિન્દ્ર ભારતી, રાહુલ અનંતા ગોસાવી અને ધનશ્રી ચંદ્રકાંત ગિરિને કુલ રૂ. દસ લાખ અને રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ, રાહુલ અનંતા ગોસાવી અને ધનશ્રી ચંદ્રકાંત ગિરિને કુલ રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે.