પહેલગામ આતંકવાદી હુમલા બાદ મળેલી ઉચ્ચસ્તરીય કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં લેવામાં આવેલા રાજદ્વારી નિર્ણયોના અનુસંધાનમાં હવે ભારતે પાકિસ્તાની નાગરિકો માટેની વીઝા-સર્વિસ તાત્કાલિક અસરથી અમલમાં આવે એવી રીતે બંધ કરી દીધી છે.
ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વીઝા 27એપ્રિલથી અમલમાં આવે એમ રદ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વીઝા પણ માત્ર 29 એપ્રિલ સુધી અમલી રહેશે.
જે પાકિસ્તાની નાગરિકો હાલ ભારતમાં છે તેમણે તેમના વીઝાની મુદત સમાપ્ત થાય એ પહેલાં ભારત દેશ છોડી દેવાનો રહેશે એવો સુધારો કરવામાં આવ્યો છે.
આ સિવાય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. હાલમાં જે ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં છે તેમને પણ વહેલામાં વહેલી તકે ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.