કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઈતિહાસનો મુદ્દો છેડ્યો હતો. આ સાથે તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.’ આ દરમિયાન તેમણે ટેરિફ, વિદેશ નીતિ, અનામત, અગ્નિવીર અને વિચારધારાઓ સહિત અનેક મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી.
અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પહેલાં મોદી અમેરિકા જતા અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઇ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજીએ ચૂં પણ ના કર્યું. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઇ ગયા છે?’રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘તે સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે, બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે બધું ધન બે-ત્રણ લોકોના હાથમાં જ જવું જોઈએ. સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે દેશના તમામ ચાન્સલર આરએસએસના હોવા જોઇએ? સંવિધાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે કોઇ ખાસ ભણાવવામાં આવશે. જે પાર્ટીની પાસે વિચારધારા, સ્પષ્ટતા નથી, તે ભાજપ અને આરેસએસના સામે ઉભી રહી શકે નહી. જેની પાસે વિચારધારા છે, તે ભાજપ અને આરએસએસ સામે ઉભી રહી શકે, તે તેમને હરાવશે.’
‘આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી’
‘અમે અંગ્રેજો અને આરએસએસની વિચારાધારા વિરૂદ્ધ લડી રહ્યા હતા. તેમની વિચારધારા સ્વતંત્રતા સંગ્રામની વિચારધારા નથી. જે દિવસે સંવિધાન લખવામાં આવ્યું હતું, તે દિવસે સંઘે રામલીલા મેદાનમાં સંવિધાનને સળગાવ્યું હતું. તેમાં લખ્યું છે કે આપણા દેશનો ઝંડો તિરંગો હશે. વર્ષો સુધી આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી. તે હિંદુસ્તાનની બધી સંસ્થાઓ કબજા કરવા તમારા પૈસા અદાણી-અંબાણી આપવા માંગે છે.’