આશિષ નમ્બીસન : ગત અંકમાં જણાવ્યું હતું કે, “નિફટી 50 એ ફોલિંગ વેજના સીલિંગને સફળતાપૂર્વક પાર કર્યું છે, જે ફરીવાર તેજીની સાથે ધીમો ઘટાડાનો દર દર્શાવે છે. એક ઈન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની રહી હતી, પરંતુ તે સંપૂર્ણ થઇ નહિ. ચાર્ટ પર પોઝિટિવ ડાયવર્જન્સની સાથે એક ‘બ્રોડનિંગ ફોર્મેશન’ રચાતું જોઈ શકાય છે. આ પેટર્નને પગલે જ નિફટી તેનાં અગાઉના અવરોધ 22923.90 સુધી પહોંચી શકી છે. તેથી આગળની તેજીની આશા 23000 નું સ્તર પાર થયા પછી જ રાખી શકાય. નીચેમાં 22600/22400/22250 પર સારાં ટેકા છે. 23000 ની ઉપર બંધ રહેવામાં સફળ થતાં નિફટી 50 23400 નું સ્તર હાંસલ કરવા પ્રયત્ન કરશે. નીચેમાં 22600 નું લેવલ ટકાવી રાખવામાં નિષ્ફળ રહેતાં સ્થિતિ મંદીવાળાની તરફેણમાં ફેરવાઈ જાય. કેમ કે, આ લેવલની નીચે બંધ આવતાં નિફટી ફરી પેલાં ફોલિંગ વેજમાં આવી જાય અને તેવાં ફોલિંગ વેજમાં તેજી તરફી વલણ બજારના રૂખ સાથે સુમેળવાળું ન કહી શકાય. ટૂંકમાં, 23000 ના સ્તર પર બારીક નજર રાખવી. હાલની સ્થિતિમાં ‘વિપ શો’ સહજ બની ગયા છે અને હાલનું આ બ્રેકઆઉટ પણ છેતરામણું નીકળી શકે છે. એટલે આગળના કન્ફર્મેશન માટે નિફટીનું 23000 ની ઉપર સળંગ બે સેશન્સ બંધ રહેવું જરૂરી છે.”
સાથે જ ગત અંકમાં ટ્રેડિંગ રેન્જ વિષે લખ્યું હતું કે, “23000 ની ઉપર તેજીની આશા રાખી શકાય. શોર્ટ સેલિંગ માટે 23000 ની નજીક 23400 ના સ્ટોપથી વેચાણ કરી શકાય. જયારે તેજી માટે 22000 ના સ્ટોપ સાથે 22400 આસપાસ સુધીના ઘટાડે પોઝીશન બનાવી શકાય. અહીં નોંધનીય બાબત એ છે કે ઉપર તરફના નિર્ણાયક બ્રેક-આઉટ માટે 23900 અને નીચે તરફના બ્રેક-ડાઉન માટે 21200 ના લેવલ મહત્વના છે. આટલી મોટી, લગભગ ત્રણ હાજર પોઇન્ટની, રેન્જની વચ્ચે અનિશ્ચિતતા અને વોલેટિલિટી બનેલાં રહેવાના છે. બીજું કે બજાર બ્રેક-આઉટ બતાવે કે બ્રેક-ડાઉન બતાવે, તે પહેલા આ રેન્જમાં સારો એવો સમય પસાર કરે. તેથી આ રેન્જમાં ઉપલાં સ્તરોએ લેણમાં ફસાતાં અને નીચલાં સ્તરોએ વેચાણમાં ફસાતાં બચવું જરૂરી છે. આ સમગ્ર કવાયતમાં 22600 અને 23000 સહુથી મહત્વપૂર્ણ સ્તરો છે જે આગળની ચાલ માટે નિર્ણાયક રહે. વેચાણ તરફી વેપારમાં 23000 ઉપરનો બંધ તણાવ પેદા કરે, જયારે તેજીના વેપારમાં 22600 ની નીચેનો બંધ આમ કરે. નોંધ: ‘બ્રોડનિંગ પેટર્ન’નું ઉપલું સ્તર 23900 અને નીચલું 21200 છે. તેની બહારના બ્રેક-આઉટ આગામી ચાલ નિર્ધારિત કરે.”

આખરે શું થયું? 15 એપ્રિલે નિફટી આંક 23000 ની ઉપર ખુલ્યો, જે એક પોઝીટીવ હતો. 23368 ના ઉપલા મથાળે ખુલ્યા પછી તે ટ્રેડિંગ સેશન તો નિફટી નીચે રહી. પરંતુ, ત્યારપછીના સેશનમાં જયારે તેણે 23400 નો અવરોધ, કે જે શોર્ટ સેલિંગ માટેનો સ્ટોપલોસ પણ હતો તે, પાર કર્યો પછી તે આપણી ‘બ્રોડનિંગ પેટર્ન’ના અવરોધ 23900 ને સ્પર્શ કરવા આગળ ધપ્યો અને આખરે સાપ્તાહિક બંધ 23872.35 ના ઉપલા સ્તરે આપ્યો. હવે, શું આપણે માની શકીએ કે, નિફટી આંક આ ‘બ્રોડનિંગ પેટર્ન’ની ઉપર નીકળી જશે અને ઉપર તરફ બ્રેક-આઉટ આપી તેની પાર નીકળી જશે? ચાલો તેનું આંકલન કરીએ.
નિફટી 50 ગુરુવારના રોજ પણ પોતાની તેજી તરફી ચાલ જાળવી રાખી, બેંક્નીફટીના મોટા સહકાર સાથે, સળંગ ચોથા ટ્રેડિંગ સેશનમાં વધારો નોંધાવી, તમામ સેક્ટોરલ ઇન્ડેકસીસમાં સુધારા સાથે સાપ્તાહિક ચાર ટકાના સુધારે બંધ રહ્યો. ફાયનાન્સ સેક્ટરના શેર્સ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ વિગેરેમાં સારી લેવાલી જોવાઈ અને તેને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં તેજી રહી જે 23900 વાળા માઈલ સ્ટોને લગભગ પહોંચી. ઈંટર્નલ, આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, સન ફાર્મ, ભરતી એરેટેલ, સ્ટેટ બેન્ક, બજાજ ફિન્સર્વ વધવામાં અગ્રેસર રહ્યા. ગુરુવારના સમગ્ર ટ્રેડિંગ સેશનમાં તેજી બની રહી. ક્લોઝીંગ સુધીમાં સેન્સેક્સ 1508.91 અંક એટલે કે 1.96% સુધરી 78553.20 પર બંધ રહ્યો.
નિફટી 50 માં પણ આવી જ મજબૂતી જોવા મળી અને તે 414.45 અંક, એટલે કે 1.77% વધીને, 23851.65 પર બંધ રહ્યો. બજારનો રૂખ નિઃસંદેહ તેજીમય રહ્યો, NSE પર લગભગ 1837 વધનાર અને 1038 ઘટનાર શેર્સ રહ્યા. આવા બ્રોડર પાર્ટીસિપેસનને પગલે તેજીને વધુ બળ મળ્યું અને કુલ માર્કેટ કેપ પણ સુધરી, જેણે વૈશ્વિક પરિપેક્ષ્યમાં ભારતીય બજારની મજબૂતી પ્રદર્શિત કરી અને વિદેશી સંસ્થાગત રોકાણકારોના વિશ્વાસને પુનઃ સ્થાપિત કર્યો. હાલ નિફટી 50 આપણી બ્રોડનિંગ પેટર્નના પેલા 23900 વાળા ઉપલા સ્તરે આવીને ઉભી છે. હવે, દિગ્ગજ કંપનીઓની જાહેરાતો અને પરિણામો પર ધ્યાન આપવાનું છે.
ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે FII એ કેશ સેગ્મેન્ટમાં રૂ.14670 કરોડની ચોખ્ખી લેવાલી કરી, જયારે DII એ રૂ.6471 કરોડની ચોખ્ખી વેચવાલી કરી.
ભારત-અમેરિકા દ્વિપક્ષી વ્યાપાર કરારને લઈને ભારતીય રોકાણકારો ને ભારે આશાવાદ છે. આ કરારથી ભારતને મોટો લાભ થાય તેમ છે. બજાર ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર-કરારને ઓછો આંકી રહ્યું છે. અમેરિકા પોતાના ચાર વ્યાપારી સહયોગીઓ (બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત) સાથે સહુથી પહેલા વેપાર-કરાર કરવા આગળ વધશે. જો આ થયું તો યુ.એસ. ચીન વચ્ચેના ટ્રેડ-વોરમાં ભારતને સારો એવો લાભ થશે.
પાછળ સાત ટ્રેડિંગ સેશન્સમાં ગ્લોબલ ટેરિફની અનિશ્ચિતતાઓ મધ્યે ગ્લોબલ ઇકવીટી બજારોમાં તીવ્ર અસ્થિરતા જોવા મળી. અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલ તણાવે ભારતને રોકાણ માટેનું પસંદગીનું સ્થળ બનાવ્યું છે. ભારત સતત શાંતિ માટે પ્રયત્નો કરી રહ્યું છે, પણ સાથે જ યુ.એસ. સાથે એક દ્વિપક્ષી વેપાર કરાર માટે સતત આગળ ધપી રહ્યું છે. 2030 સુધીમાં દ્વિપક્ષી વેપાર કરાર હેઠળ યુ.એસ. સાથેનો વેપાર 500 બિલિયન ડોલરને પાર પહોંચે તેવાં ઊચ્ચ લક્ષ્ય સાથે ભારત વાટાઘાટો આગળ ધપાવી રહ્યું છે. આયાત શુલ્કમાં વધારો થવાથી ઇલેક્ટ્રોનિક્સ અને આભૂષણ ઉદ્યોગોને મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડી શકે છે, જયારે ફાર્મા તેને મળેલ છૂટને કારણે સુરક્ષિત જણાઈ રહ્યો છે.
નિષ્કર્ષ:
ઉપર જણાવ્યું તેમ, વીતેલા સપ્તાહે વિદેશી સંસ્થાઓએ કેશ સેગ્મેન્ટમાં રૂ. 14670 ની ચોખ્ખી લેવાલી અને સ્થાનિક સંસ્થાઓએ રૂ.6471 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે. નિફટી 50 હવે બ્રોડનિંગ પેટર્નના ઉચ્ચતમ અવરોધે પહોંચી છે. ઈન્ડિકેટર્સ ટૂંક સમયમાં બ્રોડનિંગ પેટર્નની ઉપરની તરફના બ્રેક-આઉટનો ઈશારો કરી રહ્યા છે, જે આગામી સમયમાં 26000 સુધીના સ્તરોનો સંકેત આપી રહ્યા છે. પરંતુ, આ લેવલ ખુબ મહત્વપૂર્ણ છે અને કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં એના પર સાવચેતીપૂર્વક બારીક નજર કરવી જરૂરી છે, કેમકે,આ સ્તરે ‘ફોલ્સ બ્રેક-આઉટ’ એટલે કે છેતરામણા બ્રેક-આઉટનું પણ જોખમ છે. સંભાવના પોઝીટીવ તરફની હોવા છતાં કોઈપણ અવિચારી જોખમ ઘટાડવા માટે આપણે સાવચેતી ભર્યો વ્યુ અપનાવવો રહ્યો. આવી સાવચેતી રાખવા આપણે 23900 ની ઉપરના બે બંધ આવવાની રાહ જોવી ઠીક રહે. આવા બંધ આવતાં નિફટી આંક 26000 સુધીની તોફાની તેજી કરી શકે છે.
ટ્રેડિંગ રેન્જ:
23840 કે જે ‘બ્રોડનિંગ પેટર્ન’નો ઉપલો અવરોધ છે, ત્યાં નિફટી 50 બંધ રહી છે. જો સોમવારે નિફટી 23900 ની ઉપર ખુલે છે, તો સંભવતઃ તે બ્રેક-આઉટ પોઇન્ટથી ઉપર ટ્રેડ કરી રહી હશે.23900 ની ઉપર બંધ થતાં અને ક્રોસ ઓવર થતાં 24050 સુધીની તેજી શક્ય છે, જે હાલના ઉછાળાનો આખરી અવરોધ છે. 24050 પાર થતાં નિફટી 24050/24800 ને ટેસ્ટ કરવાનો પ્રયત્ન કરશે. હવે, વચગાળાનો ટેકો 23400/23200 આવે છે. 23000 ની નીચે સરક્યા પછી જ મંદીનો માહોલ બને. હાલ બજાર બુલ્સના હાથોમાં છે અને બ્રોડનિંગ પેટર્નની ઉપરનું બ્રેકઆઉટ નિફટીને 26000 સુધી લઇ જઈ શકે છે. સરવાળે, જ્યાં સુધી નિફટી 23000 ની ઉપર છે, ત્યાં સુધી તેજીનો રૂખ બનેલો છે. 23600 સુધીના ઘટાડે લેણ કરી શકાય, જેમાં 23200 નો સ્ટોપલોસ રાખવાનો થાય. ઉપરની ચાલમાં બ્રેક-આઉટની રાહ જોવી. તમામ તેજીની પોઝીશનો માટે હવે 22900 સહુથી નિર્ણાયક સ્તર છે.
નોંધ: 23900 ઉપરનું બ્રેકઆઉટ આવતાં નિફટી આંક 26000 ના ઊચ્ચ સ્તરે પહોંચી શકે છે. જયારે આવી ‘મેક ઓર બ્રેક’ સ્થિતિ સર્જાય ત્યારે ખુબ સાવચેતીપૂર્વક વેપાર કરવો અને ઉતાવળે પોઝીશન લઇ લેવાથી દૂર રહેવું. આથી પોતાની વિવેકબુદ્દિનો ઉપયોગ કરી, બજારના રૂખને અનુરૂપ પોઝીશનો લેવી, યોગ્ય સ્ટોપલોસ જરૂર જાળવવા.
પોઝીશનલ ટ્રેડ્સ:
SBIN ફ્યુચર 794.40 પર બંધ રહ્યું છે. 775 ના સ્ટોપ સાથે 825 સુધીની રેલી માટે લેણ કરી શકાય. 780-785 સારો એન્ટ્રી-પોઇન્ટ છે.
NTPC ફ્યુચર 363.80 પર બંધ છે. 370 ની ઉપર એક તેજી તરફી બ્રેક-આઉટ જણાઈ રહ્યું છે. આ સ્ટોકને 355 ના ક્લોઝીંગ બેઝીઝ સ્ટોપલોસ થી લેણ કરી શકાય.
મારુતિ ફ્યુચર: કેશ સેગ્મેન્ટમાં ટ્રિપલ બોટમ બનાવી આ શેર 11632 બંધ રહ્યો છે. એમ જણાય છે કે આ શેર 12500 નું ટાર્ગેટ હાંસલ કરવા આગળ ધપે. 11300 નો સ્ટોપલોસ રાખવાનો થાય.
હીરોમોટો: આ શેર 3767.50 બંધ રહ્યો છે. ગત સપ્તાહે તેણે ચાર એકમોમાં ઉત્પાદન ટૂંક સમય માટે સ્થગિત કર્યું છે. તે પોતાની સપ્લાય ચેનમાં કેટલાક સુધારા કરવા જઈ રહ્યો છે. 3830 ની ઉપર 4000 સુધીની તેજી કરી શકે છે. 3630 નો સ્ટોપલોસ રાખવો જરૂરી છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL ): 294.60 નો બંધ છે. એમ જણાય છે કે આ સ્ટોક 308 સુધીની રેલી માટે તૈયાર છે. 308 પાર કરતાં 325 સુધીની તેજી થઇ શકે છે. પોઝીશનલ ટ્રેડ માટે 289 આસપાસ લેણ શ્રેષ્ઠ રહે. 275 નો સ્ટોપલોસ રાખવાનો થાય. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 282 ના સ્ટોપલોસ થી 308 ના ટાર્ગેટ માટે લેણ કરી શકે.
બજાજ ઓટો: 8006 નો બંધ છે. આ શેર ઉછાળા માટે તૈયાર જણાઈ રહ્યો છે. 7685 – 7680 ના સ્ટોપલોસ સાથે લેણ કરી શકાય. આગામી સમયમાં આ શેર 8500 નું ટાર્ગેટ હાંસલ કરવા પ્રયત્ન કરી શકે.
બજાજ ફાયનાન્સ: 9157 નો બંધ છે. ટૂંક સમયમાં આ શેરમાં 9255 ઉપરનું બ્રેકઆઉટ માટે તૈયાર છે, જે તેનો આખરી અવરોધ છે. 8940 ના સ્ટોપલોસ સાથે લેણ કરી શકાય, જેમાં 9225 ની પાર નીકળતા 10200 સુધીની રેલી જોવાઈ શકે છે.