ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતા 7.68% આગળ રહી બાજી મારી છે.
ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે. ગણિતમાં 16.53% એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16% એટલે કે 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 8.71% એટલે કે 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે.
આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 ટકા પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે, જ્યારે 0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકશો. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.