પહેલગામ આતંકી હુમલાનો બદલો ગઈકાલે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદુર’ અંતર્ગત કાર્યવાહી કરીને લીધા બાદ વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન મોદીએ કેબિનેટની બેઠક બોલાવી અને નિવેદન આપ્યું હતું કે દેશ માટે આ ગૌરવની પળ.
કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આખા દેશને તમારા માટે ગર્વ છે.
વડાપ્રધાન મોદીએ બોલાવેલી આ કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત હતા. જેમણે ઓપરેશન સિંદુર બાદ પછીની પરિસ્થિતિનાં બારામાં વિસ્તારથી મંથન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ આ કેબિનેટ બેઠકમાં કહ્યું હતું કે હજુ પણ આતંકવાદનો ખાત્મો બોલાવવામાં આવશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સ રાખશે.વડાપ્રધાને ઓપરેશન સિંદુરને લઈને કહ્યું હતું કે આ જ કરવાનું હતું દેશ આપણી રાહ જોતો હતો. આપણા માટે આ ગૌરવનો દિવસ છે.
રક્ષામંત્રી રાજનાથસિંહ તરફથી ઓપરેશન સિંદુરનાં બારામાં કેબિનેટને સુચિત કરાઈ હતી. ત્યારબાદ પુરી કેબિનેટે મેજ થપથપાવ્યુ હતું. અને વડાપ્રધાનનાં નેતૃત્વની પ્રસંસા કરી હતી. કેબિનેટની આ બેઠકમાં ઓપરેશન સિંદુર બાદની પરિસ્થિતિઓ પર વિસ્તારથી મંથન કરવામાં આવ્યુ હતુ.