દેશના કેટલાંક ભાગોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોરોનાનું હાલનું સંક્રમણ ખુબ જ હળવા પ્રકારનું છે અને તેનાથી ગભરાવવાની જરૂર નથી. જોકે દેશમાં સક્રિય કેસો જોઈએ તો 20 રાજયોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર 12 મેના પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન દેશમાં કોરોનાનાં 93 સક્રિય કેસો હતા જયારે 19મેનાં રોજ પુરા થયેલા સપ્તાહ દરમ્યાન તે વધીને 257 સુધી પહોંચી ગયા છે. એક સપ્તાહમાં 164 નવા સંક્રમણ થયા છે આ વૃધ્ધિ લગભગ 180 ટકાની છે.
મંત્રાલયનાં અનુસાર હાલનાં સમય 11 રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં કોરોનાના સક્રિય કેસ છે તેમાં પુડ્ડુચેરીમાં સંક્રમણમાં ઘટાડો થયો છે અને બાકી બધા રાજયોમાં વધારો જોવા મળી રહ્યો છે.સિંગાપોર અને હોંગકોંગે ચિંતા વધારી
સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણ પૂર્વ એશીયાઈ દેશોમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. ત્યાના સ્વાસ્થ્ય અધિકારીઓ સતર્ક રહેવાની અને સાવધાનીથી વર્તવાની સલાહ આપી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ત્રણ મેએ પુરૂ થયેલા સપ્તાહમા હોંગકોંગમાં કોરોનાના 31 ગંભીર કેસ હતા.
સિંગાપોરમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને સંચારી રોગ એજન્સીએ કહ્યું હતું કે 27 એપ્રિલથી 3 મેના સપ્તાહ માટે કોરોનાના કેસની અનુમાનીત સંખ્યા 14,200 હતી તેના પહેલાના સપ્તાહમાં આ આંકડો 11,110 હતો.
ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું: સાત કેસ નોંધાયા
અમદાવાદ : ગુજરાતમાં પણ ફરી કોરોનાએ માથુ ઉચક્યુ છે. 16 મેથી 20 મે સુધીમાં અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાયા હતા. વટવા,નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં કોરોનાના કેસ નોંધાયા હતા.
બે વર્ષના બાળક અને 15 વર્ષના બે સગીરો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.