દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર
**
વડાપ્રધાનશ્રી ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે
**
મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળશે
**
મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ મળવા સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં થશે વધારો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 દરમિયાન રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાનશ્રી દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.
લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી – બોટાદ 107 કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ – કડી – કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹2287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹ 23,692 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરશે. વડાપ્રધાનશ્રી દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે.
દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ દસ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. દાહોદમાં બનેલું લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે. આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
પાણી પુરવઠાની ચાર યોજનાઓના લોકાર્પણથી 193 ગામોને ફાયદો
વડાપ્રધાનશ્રી મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે ₹181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા અંદાજે ₹49 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો, વીરપુર અને લુણાવાડા તાલુકાના એક-એક ગામ સહિત કુલ 39 ગામોની 1.01 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.
તેવી જ રીતે ₹70 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 49 અને લુણાવાડા તાલુકાના ત્રણ સહિત કુલ 51 ગામની 1.16 લાખ વસ્તી અને વીરપુર શહેરના 15011 નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી ₹33 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચારણગામ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44 ગામોની 83 હજારથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત ₹29 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ યોજના હેઠળ જૂથ યોજના હેઠળ ન જોડાયેલા 11 ગામો અને કડાણા ભાગ -2 જૂથ યોજનાના 31 ગામો તેમજ ભાણાસીમલ જૂથ યોજનાના 16 ગામોને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 58 ગામોની 1.46 લાખ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ ચાર પાણી પુરવઠા યોજનાઓ થકી બાલાસિનોર તાલુકાના 37, વીરપુર તાલુકાના 50,લુણાવાડા તાલુકાના 48,સંતરામપુર અને ફતેપુરા તાલુકાના 58 સહિત કુલ 193 ગામો અને એક શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.