અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી તો અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદી રહી હતી. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી હતી કે એક સાઈકલ પણ ન જઈ શકે, સ્થાનિક આગેવાનની મદદથી ચાલતી ચાલતી બંગાળીવાસમાં પહોંચી. આ એ જ બંગાળીવાસ છે જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે. પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે જે પોતાને ભારતના નાગરિક ગણાવે છે. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસલમાનોને તકલીફનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં બહારનો કોઈ વ્યક્તિ એકલો આવી જાય તો તેની સાથે કંઈ પણ થઈ શકે તેવો આ વિસ્તાર છે.
તપાસ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક એક જગ્યાએ આવીને થોભી ગયા અને આશ્ચર્યમાં પડી ગયા કે, આવડું મોટું ફાર્મ હાઉસ કોનું હશે? તપાસ કરતા 2000 વારમાં ફેલાયેલું આ આલીશાન ફાર્મ હાઉસ લલ્લા બિહારી નામના શખ્સનું હોવાનું સામે આવ્યું હતું.
જો કે લલ્લુ બિહારી પોલીસના હાથમાં આવ્યો નહોતો અને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.સામાન્ય રીતે આ વિસ્તારમાં પાર્કિંગ છે તેમ કહેવામાં આવે છે. પરંતુ લલ્લુ બિહારીએ તળાવનો ભાગ કબજે કરીને 2000 વારનું ફાર્મ હાઉસ બનાવ્યું છે અને ત્યાં જ ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરે છે. આ ફાર્મ હાઉસમાં અંદર જતા જ પહેલાં ગાર્ડન, ફુવારા, હીંચકા અને એર કન્ડિશન રૂમ જોવા મળે છે. જ્યારે પાછળની તરફ પણ એટલી જ વ્યવસ્થા છે. જ્યાં કિચનથી લઈને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવી દીધો છે.