વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે. મસ્ક જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ, ટ્રમ્પ આનાથી વધુ પ્રભાવિત થયા હોય તેવું લાગતું નથી. તે જ સમયે, આ બિલની સીધી અસર ભારત પર પણ પડી શકે છે.આ ટ્રમ્પ સરકાર દ્વારા લાવવામાં આવેલ ટેક્સ બિલ છે. આ હેઠળ, અમેરિકામાં કામ કરતા વિદેશીઓ પર તેમના દેશમાં પૈસા (રેમિટન્સ) મોકલવા પર 3.5% ટેક્સ લાગશે. આ બિલ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.
અમેરિકામાં રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સ સૌથી વધુ રેમિટન્સ મોકલતા હોવાથી તેમને વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ તે પરિવારો માટે મોટો આર્થિક ફટકો હશે જે આ રેમિટન્સ પર નિર્ભર છે. જેની સીધી અસર ભારત પર પડશે. આ ટેક્સ ટ્રાન્સફર કરવામાં આવનારી રકમ પર લાદવામાં આવશે, કુલ આવક પર નહીં.
ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ છે. 2023-24માં, ભારતીયો તરફથી રેમિટન્સ લગભગ 120 અબજ ડોલર હતું. આમાંથી લગભગ 28% યુએસમાંથી આવ્યું હતું. એવામાં આર્થિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ પણ થોડા દિવસો પહેલા આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આનાથી ભારતીય પરિવારો અને તેમને મળતા નાણા પર અસર પડી શકે છે. ભારતને વાર્ષિક અબજો ડોલરનું વિદેશી ચલણ ગુમાવવું પડી શકે છે. GTRI ના સ્થાપક અજય શ્રીવાસ્તવ કહે છે કે, ‘આ ટેક્સને કારણે ભારતમાં મોકલવામાં આવતા નાણામાં 10-15%નો ઘટાડો થઈ શકે છે. આના કારણે ભારતને વાર્ષિક 12-18 અબજ યુએસ ડોલરનું નુકસાન થઈ શકે છે.’
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શું છે વિવાદ?
ટ્રમ્પ વહીવટીતંત્રના ટેક્સ-કટ અને ખર્ચના કાયદા વન બિગ બ્યૂટિફૂલ બિલ અંગે મસ્કની ટીકા બાદ આ વિવાદ શરુ થયો હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક સાથેના સરકારી કરારો રદ કરવાની ધમકી આપતાં કહ્યું હતું કે, ‘આપણા બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઈલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો છે.’ મસ્કની કંપનીઓમાં સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસએક્સ અને તેની સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો સમાવેશ થાય છે.