
અમદાવાદ : હાલ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) બોગસ બિલિંગ અને બોગસ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ મારફત મની લોંડરિંગ આચરવામાં આવી રહ્યું હોવાના મામલાની તપાસ કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ, મુંદ્રા પોર્ટ પર અમુક કંપનીઓ દ્વારા રાઉન્ડ ટ્રિપિંગ આચરવામાં આવી રહ્યું હોવાના મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. રાઉન્ડ ટ્રિપિંગ એક એવી મોડસ ઓપરેન્ડી છે જેમાં સાવ ક્ષુલ્લક કિમતની વસ્તુની વિદેશોમાંથી મંગાવતી વખતે તેને અન્ય ખૂબ ઊંચી વેલ્યૂનો માલસામાન તરીકે દર્શાવવામાં આવે છે. આપણે તેને એક ઉદાહરણથી સમજીએ.
ઉદાહરણ: સિંગાપોરમાંથી સાવ સસ્તી પેનો મંગાવવામાં આવે અને તેને ઉચ્ચ ગુણવત્તાની સ્ટેશનરી આઈટમ તરીકે દર્શાવી, લાખો કરોડો રૂપિયાનો માલસામાન આયાત થયો હોય તેવું બતાવવામાં આવે. પછી તે માલને તેનાથી પણ ઊંચી કિમતે આફ્રિકાના કે અન્ય કોઈ અવિકસિત દેશ કે કોઈ અખાતી દેશમાં નિકાસ કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવે. જ્યાં આ માલ આખરમાં મોકલવામાં આવ્યો હોય ત્યાં સાવ સસ્તા ભાવે કે મફતમાં જ સ્થાનિક બજારમાં તે માલ આપી દેવામાં આવે. આ આખા વ્યવહારમાં જે સિંગાપોરથી સહુપ્રથમ આયાત થઈ હતી, ત્યાં માલની કિમત પેટે મસમોટી રકમ ચૂકવી દેવામાં આવે.
ઉપરોક્ત ઉદાહરણમાં આપણે જોયું તેમ, સિંગાપોર, હોંગકોંગ, તાઇવાન જેવા દેશોમાં ચૂકવણાં કરવા માટે રાઉન્ડ ટ્રિપિંગ આચરવામાં આવે છે. કેમ કે, એમ જ કોઈક વ્યક્તિ, પેઢી કે કંપની લાખો કરોડો રૂપિયા ડોલરમાં તબદીલ કરી સિંગાપોર, હોંગકોંગ કે તાઇવાન ટ્રાન્સફર કરે, તો સ્વાભાવિક રીતે જ તેઓ સીધા સરકારની એજન્સીના રડાર પર આવી જાય. તેની જગ્યાએ વિવિધ પેઢીઓ કે પ્રાઈવેટ લિમિટેડ, લિમિટેડ કે એલ.એલ.પી. કંપનીઓ બનાવી તેમના બેન્ક ખાતાં ખોલાવી આવાં રાઉન્ડ ટ્રિપિંગના બિલોને આધારે મની લોંડરિંગ આચરવામાં આવે, ત્યારે વિવિધ સરકારી એજન્સીઓની નજરે ચઢ્યા સિવાય આવાં કામકાજો લાંબો સમય ચલાવી શકાય છે. રાઉન્ડ ટ્રિપિંગ માટે મોટેભાગે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન્સ (SEZs)નો ઉપયોગ કરવામાં આવે છે. SEZ માં માલ મંગાવી અન્ય દેશમાં મોકલી આપવામાં આવે, તો તેમાં કોઈ આયાત ડ્યૂટી લાગતી નથી. બીજું કે જેટલી કિમતની નિકાસ કરી હોય એટલી કિમતની વધુ આયાત કરવાની પણ છૂટ મળે છે. આમ, વિદેશ વ્યાપાર વધારવા સરકાર દ્વારા કરવામાં આવેલ પહેલનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે.
શું છે હાલનો મામલો:
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (DRI) ઓક્ટોબર 2023માં બાતમીના આધારે મુંદ્રા પોર્ટ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં કેટલીક કંપનીઓના વેરહાઉસોની તપાસ કરી. તેમાં મેસર્સ. કેરી ઇનડેવ લોજિસ્ટિક્સ પ્રા. લિ.ના વેરહાઉસની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કંપનીએ જે મોંઘો માલ આયાત કર્યો હોવાનું જણાવ્યુ હતું તેવો કોઈ માલ હતો નહિ. માત્ર ઊંચું બિલિંગ બતાવવા માટે સાવ ક્ષુલ્લક માલસામાન મોંઘી વસ્તુઓ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. બેંકિંગ ચેનલ મારફત નાણાં ગેરકાયદેસર રીતે વિદેશોમાં મોકલવાની આ મોડસ ઓપરેન્ડીને DRIએ ટ્રેડ બેઝ્ડ મની લોંડરિંગ (TBML) કહી છે.
DRIએ જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, ગાંધીધામના રહીશ નામે સુનિલ જોઈશરે કંપનીના વેરહાઉસમાં આ માલસામાન મંગાવ્યો હતો. જ્યારે DRIએ સુનિલની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યુ કે તેને આ કામ એક આકાશ નામના વ્યક્તિએ સોંપ્યું હતું અને તે ક્યારેય આ આકાશને મળ્યો નથી. સુનિલના કહ્યા પ્રમાણે આ આકાશ માત્ર વોટ્સએપ કોલ મારફત જ તેના સંપર્કમાં હતો. સુનિલ મેસર્સ. શ્રી આશાપુરા ક્લીયરિંગ હાઉસ પ્રા. લિ. નામની ફ્રેટ-ફોરવર્ડ કંપનીનો ડાયરેક્ટર છે અને તેણે મુંદ્રા SEZમાં કેરી ઇંડેવના વેરહાઉસમાં માલ આયાત કરી અન્ય દેશોમાં નિકાસ કરવા માટે આ કંપનીના નામે જ સમજૂતી કરી હતી. નોંધવું રહ્યું કે, સુનિલ જોઇસર આઇસ્પા પોલીમર્સ પ્રા. લિ. અને આઇસ્પા વર્લ્ડ પ્રા. લિ.માં પણ ડાયરેક્ટર હતો. અગાઉ તે એગ્રોટેક થ્રી ચેન પ્રા. લિ. નામની કંપનીમાં પણ ડાયરેક્ટર હતો, જેમાંથી તેણે નવેમ્બર 2022માં રાજીનામું આપ્યું છે.

મેસર્સ. કેરી ઇનડેવ લોજિસ્ટિક્સ પ્રા. લિ.
કંપનીની વેબસાઇટ પર તેની કોર્પોરેટ ઓફિસ 90, અરિહંત નિટકો પાર્ક, પેહલો માળ, ડો. રાધાકૃષ્ણન સલાઈ માર્ગ, માયલાપોર, ચેન્નાઈનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝમાં તેનું સરનામું થમ્બુ ચેટ્ટી સ્ટ્રીટ, મન્નાડી, ચેન્નાઈ નોંધવામાં આવેલ છે. ડિસેમ્બર 1997 થી કંપની કાર્યરત હોવાનું જણાય છે. કંપનીના ડાયરેક્ટર્સ તરીકે મિશેલ એંટોનિયો બ્રિટ્ટો, વિકી પિંગ ચ્વેન ચૂયાંગ, વિશ્વનાથમ ગંડલા, વિમલારાની બ્રિટ્ટો, એલન યીપ કામસંગ, ઝેવિયર બ્રિટ્ટો સ્વામીકન્નુ અને ચી વાઇ ચેંગ નામના વ્યક્તિઓ છે. આ કંપની 59 દેશોમાં લોજિસ્ટિક અને ફ્રેટ ફોરવર્ડની સેવાઓ આપે છે. ભારતમાં 24 લોકેશ્ન્સ પર તેનાં એકમો છે. કંપની 38 વર્ષથી લોજિસ્ટિક ક્ષેત્રે કાર્યરત છે.
કેરી ઇનડેવ લોજિસ્ટિક્સના ડિરેક્ટર્સ સાથે સંલગ્ન કંપનીઓ:
ઇન્ફીનિટી એસથેલ રેસ્ટોરન્ટ એલ.એલ.પી.
ઇન્ડેવ ઇન ટાઈમ એર કાર્ગો સર્વિસિસ પ્રા. લિ.
બી.એસ.વી. શિપિંગ એજન્સીસ પ્રા. લિ.
કોન્ટીનેન્ટલ કન્ટેનર ફ્રેટ સ્ટેશન્સ પ્રા. લિ.
એન્નોર કાર્ગો કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ.
ઇન્ડેવ શિપિંગ સર્વિસિસ પ્રા. લિ.
એસ્થેલ ગ્લોબલ ઇન્શ્યોરન્સ બ્રોકર્સ પ્રા. લિ.
ઇન્ડેવ હોલ્ડિંગ્સ પ્રા. લિ.
ઇન્ડેવ લોજિસ્ટિક પાર્ક પ્રા. લિ.
વિકાન-વી સોલ્યુશન્સ પ્રા. લિ.
વ્હોટ્સએપ કોલથી સંપર્કમાં રહેનાર આકાશ કોણ?
મેસર્સ ડીબા લોજિસ્ટિક્સ પ્રા. લિ., મેસર્સ ઓરીએશન ફ્રેટ એન્ડ ફોરવર્ડ પ્રા. લિ., મેસર્સ એકવરીસ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ લિ. જેવી 30 થી વધુ કંપનીઓનું ફોરવર્ડ અને લોજિસ્ટિક સંભાળતો હોવાનું અને આ તમામ કંપનીઓનો માલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગાવી, ત્યાંથી મુંદ્રા મોકલી, અન્ય દેશોમાં મોકલતો હોવાના વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. સુનિલ જોઈશરના જણાવ્યા મુજબ ઉક્ત મામલે તપાસ શરૂ થયા પછી આ આકાશ સાથે તેનો કોઈ સંપર્ક નથી.
મની લોંડરિંગનો ગંભીર મામલો:
આ સમગ્ર કૌભાંડમાં નાણાં મુખ્યત્વે હોંગકોંગ મોકલવામાં આવ્યા હોઇ, સમગ્ર મામલો અત્યંત સંદિગ્ધ બની રહ્યો છે. હોંગકોંગ માર્ગે મની લોંડરિંગ થયું હોઇ, ચીનના કોઈક નાગરિકની સંડોવણીની શક્યતા હોઈ શકે. છેલ્લા કેટલાક સમયથી ચીનના કેટલાક અપરાધીઓએ મ્યાનમાર, કમ્બોડિયા જેવા દેશોમાં મોટી-મોટી વસાહતો ઊભી કરી છે, જ્યાં ભારત, ભૂટાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાના નાગરિકોને નોકરીની લાલચ આપી, મ્યાનમાર કે કમ્બોડિયા લઈ જઈ, બંદી બનાવી તેમને કોલ-સેન્ટરમાં ગુલામોની જેમ કામ કરવા ગોંધી દેવામાં આવે છે. આવાં કોલ સેંટર્સમાંથી ભારતના લોકો સાથે ઇન્ટરનેટ કોલ અને સોશિઅલ મીડિયાથી છેતરપિંડીઓ આચરી પૈસા પડાવવામાં આવે છે. ઇંસ્ટંટ લોન, લોટરી, ડિજિટલ એરેસ્ટ, ક્રિપ્ટો ટ્રેડિંગ ફ્રોડ જેવાં કૌભાંડો આવાં કોલ સેંટર્સમાંથી આચરવામાં આવે છે. તાજેતરમાં મ્યાનમારના શ્વે-કોક્કો શહેરમાંથી આવાં સંખ્યાબંધ બંધકોને છોડાવવામાં આવ્યા હતા, ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.