નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ શુક્રવારે ભલામણ કરી છે કે સ્ટારલિંક જેવી સેટેલાઇટ ટેલિકોમ કંપનીઓએ તેમની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના 4 ટકા સ્પેક્ટ્રમ ચાર્જ સરકારને ચૂકવવો પડશે.
આ દર કંપનીઓની અપેક્ષા કરતા ઘણો વધારે છે. ટ્રાઇએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)ને કરેલી ભલામણોમાં એમ પણ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ વાર્ષિક 500 રૂપિયા પ્રતિ ગ્રાહક વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
જો કે, ગ્રામીણ વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ટ્રાઇ દ્વારા ભલામણ કરવામાં આવેલી ફી સેટકોમ કંપનીઓની અપેક્ષા કરતા ઘણી વધારે છે.
એલોન મસ્કની સ્ટારલિંક અને એમેઝોન ઇન્કની સબ્સિડિયરી કુઇપર સિસ્ટમ્સે ટ્રાઇ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે સ્પેક્ટ્રમ ફી એજીઆરના 1 ટકાથી નીચે રાખવી જોઇએ અને અન્ય કોઇ ચાર્જિસ વસૂલવી જોઇએ નહીં. ટ્રાઇએ સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમને પાંચ વર્ષ માટે ફાળવવાની ભલામણ પણ કરી હતી, જેને વધુ બે વર્ષ માટે લંબાવી શકાય છે.
ટ્રાઇએ જણાવ્યું હતું કે એજીઆરનો 4 ટકા સ્પેક્ટ્રમ ચાર્જ ઓછામાં ઓછા 3,500 રૂપિયા પ્રતિ મેગાહર્ટ્ઝના વાર્ષિક સ્પેક્ટ્રમ ચાર્જને આધિન રહેશે. સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિંમત નોન-જિયોસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટ (એનજીએસઓ) અને જિયોસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટ (જીએસઓ) આધારિત ફિક્સ્ડ-સેટેલાઇટ સર્વિસ (એફએસએસ) અને મોબાઇલ સેટેલાઇટ સર્વિસ (એમએસએસ) એમ બંને માટે એજીઆરની ટકાવારી તરીકે છે.
એનજીએસઓનો અર્થ એ છે કે ઉપગ્રહો લો-અર્થ ઓર્બિટ (LEO) અથવા મીડલ અર્થ ઓરબીટ (એમઇઓ)માં છે. જિયોસ્ટેશનરી જીએસઓ (GSO) ઉપગ્રહોથી વિપરીત, LEO અને એમઇઓ (MEO) ઉપગ્રહો એક જ સ્થળે રહેતા નથી, પરંતુ પૃથ્વીની સાપેક્ષે પરિભ્રમણ કરે છે.