♦ પ્રમુખને ટેરીફ લાદવાની સતા નથી : ફકત દેશની સંસદ જ નિર્ણય લઈ શકે : મેનહટનની આંતરરાષ્ટ્રીય વ્યાપાર અંગેની અમેરિકી કોર્ટનો ચૂકાદો
♦ અદાલતમાં પણ ટ્રમ્પ શાસને ભારત-પાક યુદ્ધ ટેરીફને કારણે જ અટકયુ તેવી વાહીયાત દલીલ કરી
વોશિંગ્ટન: અમેરિકામાં સતા સંભાળ્યા બાદ દુનિયાને ટેરીફના ટેરર હેઠળ લાવનાર અને ભારત-પાકને પણ ટેરીફ-ધંધાના હથિયારથી યુદ્ધ વિરામ કરાવ્યાના ફાંકા મારનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘરઆંગણે જ આંચકો લાગ્યો છે અને તા.2 એપ્રિલને લીબરેશન ડે જારી કરીને ભારત સહિતના દેશો પર ઉંચા ટેરીફની કરેલી જાહેરાત પર અમેરિકી કોર્ટે જ ‘સ્ટે’ આપી દીધો છે.
મેનહટન સ્થિત એક અદાલતે ટ્રમ્પના ટેરીફ પર ‘સ્ટે’ આપી દીધા છે. મેનહટનની અદાલતે તેનો ચુકાદો આપતા સમયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેના અધિકારોનો દૂરઉપયોગ કર્યો છે અને અમેરિકી બંધારણ વિરુદ્ધ જઈને આ ટેરીફ પગલા લીધા છે. જો કે પ્રમુખ તંત્રએ અદાલતમાં ટેરીફ નિર્ણયનો બચાવ કરવાની કોશીશ કરી હતી અને ‘સ્ટે’ નહી આપવા આગ્રહ રાખ્યો હતો પણ તે માન્ય રહ્યો નથી.
ટ્રમ્પ શાસને કોર્ટમાં પણ આ ટેરીફના હથિયારથી જ ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામમાં સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો અને ચીન સાથેના અસમતોલ વ્યાપારને સમતોલ કરવામાં મદદ મળી હોવાનું જણાવ્યુ હતું તથા અનેક દેશો સાથે ટેરીફ મુદે વાટાઘાટ ચાલી જ રહી છે પણ અદાલતે ટ્રમ્પ શાસનની દલીલો ફગાવી હતી.
મેનહટનની ‘કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ’ ની ત્રણ જજોની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટેરીફ સહિતના નિર્ણયો લેવાની સતા ફકત સંસદને જ છે. રાષ્ટ્રપતિ તેની સતા મેળવી શકે નહી અને તેઓ ‘ઈમરજન્સી પાવર’ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકે નહી. આ કાનૂન રાષ્ટ્રપતિને મર્યાદીત અધિકાર આપતો નથી.અદાલતના આ ચૂકાદા બાદ હવે ટ્રમ્પ તેના ટેરીફને યોગ્ય ગણાવવા શું પગલા લે છે તેના પર નજર છે.