ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફનો અમલ શરુ થાય તે પુર્વે જ તેમાં 90 દિવસની મુદત જાહેર કરી દીધી હતી જેને પગલે સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો માટે રેસીપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ માટે રોકવાનું એલાન કરતા અમેરિકા સહિત દુનિયાભરના શેરબજારોમાં જોરદાર તેજી થઈ હતી.
કેટલાંક દિવસોથી ગભરાટભરી મંદીની સામે આજે સર્વત્ર તેજીની બલ્લે-બલ્લે હતી. ભારતીય શેરબજારમાં મહાવીર જયંતિની રજા હતી છતાં ગીફટ નિફટી 780 પોઈન્ટનો ઉછાળો સુચવતી હતી. તેના આધારે ખાનગીમાં સેન્સેકસમાં 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો અંદાજાય છે. સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી હતી.
અમેરિકાએ દુનિયાના તમામ દેશો પર ઝીંકેલી રેસીપ્રોકલ ટેરિફનો અમલ શરુ થાય તે પુર્વે જ તેમાં 90 દિવસની મુદત જાહેર કરી દીધી હતી જેને પગલે સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો હતો.
શેરબજારથી માંડીને સોના-ચાંદી ઉછળ્યા હતા. અમેરિકન શેરબજારમાં ડાઉજોન્સ 3000 પોઈન્ટ જેટલો ઉછળ્યો હતો. નાસ્ડેક 1857 પોઈન્ટ ઉંચકાયો હતો. એસ એન્ડ પી 500 ઈન્ડેકસ 9.50 ટકા વધ્યો હતો. તેમાં 2008 પછી તો એક દિવસનો સૌથી મોટો ઉછાળો હતો.
એશિયન માર્કેટોમાં પણ આજે સવારે જોરદાર તેજી થઈ હતી. જાપાનનો નિફટી 8.32 ટકા, સિંગાપોર પાંચ ટકા, હોંગકોંગ ત્રણ ટકા, તાઈવાન 9 ટકા તથા મલેશિયન શેરબજારમાં પાંચ ટકાનો ઉછાળો હતો.
અમેરિકી કદમની દુનિયાભરના દેશોમાં અસર હતી. ભારતીય શેરબજાર બંધ હોવા છતાં ગીફટ નિફટીમાં 800 પોઈન્ટના ઉછાળાના આધારે સેન્સેકસમાં 2000 પોઈન્ટથી વધુની તેજી હોવાનુ માનવામાં આવતુ હતું.
ભારતીય માર્કેટમાં આવતીકાલે પ્રભાવ પડી શકે છે અને ગુડ ફ્રાઈડે રહેવાનું મનાય છે. શેરબજાર ઉપરાંત સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી હતી. સોનાનો ભાવ ગઈકાલે એક તબકકે 3000 ડોલરથી નીચે હતો. તે આજે 3125 ડોલર સાંપડયો હતો. અભૂતપૂર્વ તેજી થઈ હતી. આ જ રીતે ચાંદીનો ભાવ ઉંચકાઈને 31.14 હતો.