તાજેતરની પૂજ્ય જૈન સાધુ – સાધ્વીજી ભગવંતોના વિહાર દરમ્યાન એકસીડેન્ટની ઘટનાઓને ધ્યાનમાં લઇ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, અમદાવાદ દ્વારા જૈન શ્રમણ – શ્રમણી ભગવંતોની વિહાર દરમ્યાન સુરક્ષા માટેની અગત્યની બેઠક નારણપુરા વિસ્તારના ઝવેરીપાર્ક જૈન સંઘમાં તા. 29-05-2025 ને ગુરુવારે રાત્રે 9:00 કલાકે બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી, પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ, યુવક મહાસંઘના પદાધિકારીઓ, વિહાર સેવા ગ્રુપ, વિહાર પોલીસ પ્રોટેકશન ગ્રુપ, વિવિધ સંસ્થાઓના અને શ્રીસંઘના પ્રમુખ તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા. વધુમાં યુવક મહાસંઘ પ્રમુખ જયેશ શાહે જણાવ્યું કે વિહાર દરમ્યાન પૂજ્ય સાધુ – સાધ્વીજી ભગવંતોના થતા અકસ્માત અટકે એ માટે દરેકે પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. જેમાં પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવે જેવા કે શક્ય એવા બિનજરૂરી વિહારો ટાળવામાં આવે, લાંબા વિહારોના સ્થાને ઓછા કિલોમીટરના વિહાર થાય, હાઇવેના વિહારો છોડી અને અંતરિયાળ ગામડાઓના માર્ગે વિહાર ગોઠવાય અને તે માટેના રૂટ તથા અન્ય વ્યવસ્થા શ્રી સંઘો દ્વારા ગામડાઓની અંદર પૂરી પાડવામાં આવે. શ્રી સંઘો દ્વારા વિશેષ રૂપે પૂજ્ય સાધ્વીજી ભગવંતોને માસ કલ્પ માટે વિનંતી કરવામાં આવે જેથી કરીને તેઓએ વારંવાર વિહાર કરવાની જરૂરિયાત ન રહે અને તેઓને સ્વાધ્યાય આદિ પણ વ્યવસ્થિત રીતે થાય. આ ઉપરાંત અકસ્માત કરનાર વ્યક્તિ પર કેસ કરવામાં આવે અને તે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી સરકારશ્રીને રજૂઆત કરવી. વણ ઉકલ્યા કેસની યોગ્ય પોલીસ તપાસ થાય તે માટે રજૂઆત કરવી. પૂજ્ય સાધ્વીજી ભગવંતોને વિહાર દરમ્યાન અકસ્માત સિવાય પણ અન્ય કેટલીક પડી રહેલી તકલીફોને પણ નિવારવા માટે વિવિધ પ્રકારના સૂચનો કરવામાં આવ્યા હતા. વ્હિલચેર ચલાવનારા વ્યક્તિને વાહન વ્યવહાર અંગેની યોગ્ય તાલીમ આપવામાં આવે. વિહાર સેવકો ફરજિયાત રેડિયમ જેકેટ પહેરે તેની તકેદારી રાખવામાં આવે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની સરકાર દ્વારા જૈન સાધુ – સાધ્વીજી ભગવંતો માટે વિહારમાં પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા માટે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પોલીસ પ્રોટેકશન લેવા માટે કરવામાં આવતી કાર્યવાહીને વધુમાં વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવે તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવી.
જે તીર્થોમાં સાધુ,સંતો , શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા વધારે સંખ્યામાં જતા હોય ત્યાં સરકાર શ્રી અલગ પગદંડી બનાવે તેવી માગણી કરવી.
ઉપસ્થિત રહેલ 125 થી વધુ જૈન સંઘના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘ દ્વારા વિહાર અકસ્માત અંગેના પ્રશ્નને વાચા આપવા બોલાવેલ બેઠકને વધાવવામાં આવી હતી. વિહાર સેવા ગ્રુપના કાર્યની અનુમોદના કરવામાં આવી હતી તથા અપીલ કરવામાં આવી હતી કે વધુમાં વધુ શ્રી સંઘના યુવાનો વિહાર ગ્રુપમાં જોડાય તે માટે યોગ્ય પ્રોત્સાહન તથા વીમા આદિની વ્યવસ્થા પણ થાય.
ઉપસ્થિત રહેલા અગ્રણીઓની સંમતિથી યુવક મહાસંઘના ભદ્રેશ શાહે ઉપરોક્ત કાર્ય માટે જૈન શ્રમણ – શ્રમણી સુરક્ષા સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ, એડવોકેટ તેમજ શ્રી સંઘના આગેવાનોને સાથે લઈને આગળની કાર્યવાહી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.