નવી દિલ્હી, 1 જાન્યુઆરીઃ જેટ ફ્યુલ (એવિએશન ટર્બાઇન ફ્યુલ – ATF) ની કિંમતમાં બુધવારે દોઢ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ LPGના ભાવમાં 19 કિલોના સિલિન્ડર દીઠ રૂ.14.50 નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ભારતમાં જેટ ફ્યુલની કિંમતોમાં દોઢ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને વાણિજ્યિક રાંધણ ગેસના ભાવમાં 19 કિલોના સિલિન્ડર દીઠ 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાહેર માલિકીના ઇંધણ રિટેલરોના જણાવ્યા અનુસાર, એવિએશન ટર્બાઇન ઇંધણ (એટીએફ) ની કિંમત રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ કિલોલીટર રૂ.1,401.37 એટલે કે 1.52 ટકા ઘટીને રૂ.90,455.47 પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી.
કિંમતોમાં ઘટાડો બે મહિનાના વધારા પછી કરવામાં આવ્યો છે.1 નવેમ્બરના રોજ કિંમતોમાં રૂ.2,94.5 પ્રતિ કિલોલીટર (3.3 ટકા) અને 1 ડિસેમ્બર, 2024ના રોજ રૂ.1,318.12 પ્રતિ કિલોલીટર (1.45 ટકા) નો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં એવિએશન ટર્બાઇન ફ્યુલની કિંમત બુધવારે ઘટાડીને રૂ. 84511.93 કરવામાં આવી છે, જે અગાઉ પ્રતિ કિલોલીટર રૂ. 85861.02 રૂપિયા હતી. ઓઇલ કંપનીઓએ રાષ્ટ્રીય રાજધાનીમાં વાણિજ્યિક LPG સિલિન્ડરની કિંમત પણ 14.50 રૂપિયા ઘટાડીને રૂ.1,804 પ્રતિ 19-કિલો કરી દીધી છે.
વાણિજ્યિક એલપીજીના ભાવમાં સતત પાંચ મહિના વધારા પછી કિંમતોમાં આ પ્રથમ ઘટાડો છે.1 ડિસેમ્બર, 2024ના રોજ છેલ્લા સુધારામાં 19 કિલોના સિલિન્ડરના ભાવમાં રૂ.16.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પાંચ ભાવવધારામાં વાણિજ્યિક રાંધણગેસના ભાવમાં 19 કિલોના સિલિન્ડર દીઠ રૂ.૧૭૨.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ એલ.પી.જી.ની કિંમત હવે મુંબઈમાં 19 કિલો સિલિન્ડર દીઠ રૂ.1,756, કોલકાતામાં રૂ.1,911 અને ચેન્નાઈમાં રૂ.1,966 છે. એટીએફ અને એલપીજીની કિંમતો જે તે રાજ્યના વેરાઓ મુજબ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે.
ઘરવપરાશના રાંધણ ગેસના 14.2-કિલો સિલિન્ડરનો ભાવ રૂ.૮૦૩ યથાવત રાખવામાં આવ્યો છે. જાહેર સાહસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દર મહિનાની પહેલી તારીખે જેટ ફ્યુલ અને રાંધણ ગેસના ભાવમાં આંતરરાષ્ટ્રીય ઇંધણની બેન્ચમાર્ક સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરના આધારે સુધારો કરે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા માર્ચના મધ્યમાં ભાવમાં રૂ. 2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ.૯૪.૭૨ પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત રૂ.૮૭.૬૨ પ્રતિ લિટર છે.