અમદાવાદમાં જમાલપુરમાં આવેલું 700 વર્ષ જૂનું ત્રિકમ રાયજી મંદિરની જમીન બદ ઇરાદાથી પચાવી પાડવા બદલ સિમરન ડેવલોપર્સ નામે બિલ્ડર સહિત 7 શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચેરીટી કમિશનરની કચેરી દ્વારા મંદિરની જમીન ખોટા દસ્તાવેજોના આધારે કરોડોમાં વેચીને આર્થિક ફાયદો મેળવનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ત્રિકમ રાયજી મંદિરની જગ્યામાં મોહમ્મદ બિલાલ શેખ દ્વારા ગેરકાયદેસર કબજો કરી સિમરન ડેવલોપર્સના નામે પોતાનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે. બિલાલ શેખ અને તેના અન્ય મળતીયાઓ સાથે મળી અને ત્રિકમ રાયજીની મંદિરની જગ્યા પચાવી પાડવા માટે કોર્ટનો સ્ટેટ્સ કો હોવા છતાં ખોટી કિંમતી જામીનગીરી દસ્તાવેજ બનાવી દીધા હતા અને વેચાણ કરી હતી. બજરંગ દળ દ્વારા હવે ફરીથી આ સમગ્ર મામલે મંદિર પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે.
વસ્ત્રાપુર ચેરીટી કમિશનરની કચેરીમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, જમાલપુર ખાતે આવેલી ત્રિકમ રાયજી મંદિરમાં અલગ-અલગ છ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી હતી. આ મંદિર 700 વર્ષ જૂનું હતું. જમીન ઉપર નાના-મોટા ધાર્મિક મંદિરના બાંધકામ પણ કરેલા હતા. આ મંદિરના ટ્રસ્ટી તરીકે 1966માં ચાર ટ્રસ્ટી નીમવામાં આવ્યા હતા. જેમાં ભોગીલાલ ત્રિકમલાલ, મહંત સીયારામ દાસ, કાંતિલાલ શાહ અને બાબુલાલ રાવળ. આ પછી કોઈ ટ્રસ્ટી ના હોય તો મંદિરની જમીનના ચેરીટી કમિશનર માલિક ગણાશે.
વર્ષ 1999માં શિવરામદાસ વૈષ્ણવ તથા મહંત સીયારામદાસ દ્વારા જમીન સહલ ઓનર્સ એસોસિએશનના વતી વહીવટદાર બાબુલાલ શાહને વેચાણ કરવામાં આવી હતી. પરંતુ જમીનના વેચાણ પહેલા ચેરીટી કમિશનરની ફરજિયાત પણે મંજૂરી લેવાની થતી હતી, જે મંજૂરી લીધી નહોતી. આ મામલે કોર્ટ કેસ ચાલ્યો હતો. કોર્ટ કેસ દરમિયાન કોર્ટે મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જે બાદ સહલ ઓનર સેશન વતી બાબુલાલ શાહ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે પણ લોવર કોર્ટના ઓર્ડરને ગ્રાહ્ય રાખ્યો હતો. સાથે કહ્યું હતું કે, જમીનનો કબજો કે જમીનને લગતો કોઈ પણ ફેરફાર કે જમીન વેચવી કે જમીનના સ્ટેટસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં.
હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ હતો છતાં સહલ ઓનર્સ એસોસિએશન દ્વારા જમીન બિલાલ શેખ અને તેના મળતિયાઓએ ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી કિંમતી જામીનગીરી બનાવી વેચાણમાં આપી દીધી હતી. ચેરીટી કમિશનર કચેરી દ્વારા બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, શેખ નિઝામુદ્દીન, મોહમ્મદ બીલાલ શેખ, કાદરી ઝીશાન, કાદરી રોહન અને કુરેશી સદામ હુસેન વિરુદ્ધમાં મંદિરની જમીન પચાવી પાડવા બદલ અને ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાયકવાડ હવેલી પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.