રાજયના વધતા જતા શહેરીકરણમાં કોઈ આયોજન વગરનો ‘વિકાસ’ : પાંચ મુદાઓ પર રાજય સરકાર નિયુક્ત કમીટીનો રીપોર્ટ વડાપ્રધાનને સોંપાયો
◙ શહેરોમાં જળ વ્યવસ્થા સૌથી ગંભીર: જાહેર-ખાનગી તમામ જળ સ્ત્રોતો એક નિયમન હેઠળ લાવવા જરૂરી
◙ રીડેવલપમેન્ટ માટે રાજય સરકારે કાનુની જોગવાઈઓ બનાવવી જરૂરી
◙ વધતા જતા વાહનો- રાજયમાં હાલ 18 લાખ વાહનો નોંધાયા: ટ્રાફિક-પાર્કીંગ મેનેજમેન્ટ તાકીદે જરૂરી
◙ જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બહું ઓછી: રોજની 9000 બસો સામે શહેરોમાં 2000 સીટી બસો દોડે છે
◙ પર્યાવરણ સંબંધી સમસ્યાઓ સતત નજર અંદાજ: અનેકવિધ ઉપાયો જરૂરી
ગુજરાત એ દેશનું સમૃદ્ધ રાજય ગણાય છે અને હવે ગુજરાતમાં શહેરીકરણનો નવો યુગ શરૂ થયો છે. ખુદ રાજય સરકારે વિકસીત બનેલા વધુ નવ શહેરોને મહાનગરનો દરજજો આપ્યો છે અને ગ્રામીણ તથા શહેરી ક્ષેત્ર વચ્ચેનું અંતર ઘટતુ જાય છે. તે સમયે શહેરી વિકાસ આયોજન તથા પાણી-ટ્રાન્સપોર્ટેશન સહિતની સમસ્યાઓ અંગે એક ચોકાવનારો રિપોર્ટ હાલમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત સમયે તેમને સુપ્રત કરવામાં આવ્યો છે.
તેમાં રાજયના વધતા શહેરીકરણ સાથે સર્જાતી સમસ્યાઓના ઉકેલ માટે બહું જલ્દી કંઈક કરવાની આવશ્યકતા દર્શાવી છે. ગુજરાત એ દેશનું સૌથી મોટું શહેરીકરણ ધરાવતું રાજય છે પણ તેના વિકાસ માટે જે આયોજન થવું જોઈએ તે થયુ નથી અને આડેધડ શહેરીકરણની સમસ્યાએ હવે વધવા લાગી છે.
ગુજરાત સરકારે જ શહેરીકરણ સાથે જોડાયેલા પ્રશ્નો અંગે એક ઉચ્ચ કક્ષાની કમીટી નિયુક્ત કરી હતી. જેણે પોતાનો રિપોર્ટ રાજય સરકારને સુપ્રત કર્યો હતો અને તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ અપાયો છે.
આ રીપોર્ટમાં જણાવાયુ છે કે, ગુજરાતમાં દર પાંચ વર્ષ 300 ગ્રામીણક્ષેત્રો ‘શહેરો’ બની રહ્યા છે અને 2036 સુધીમાં રાજયના 55% ક્ષેત્રો ‘શહેરો’માં ફેરવાઈ જશે પણ તેની સામે ફકત રાજયનો 7% ક્ષેત્રજ શહેરીકરણના પ્લાનીંગ હેઠળ આવે છે અને રાજયભરમાં બિન આયોજીત કે કોઈ નિયંત્રણ વગર વિકાસ ઝડપથી થઈ રહ્યો છે જેનાથી છેક જીલ્લા સ્તર સુધીની શહેરીકરણની સમસ્યાઓ પહોંચી છે.
સૌપ્રથમ તો જળ સંબંધીત શહેરી આયોજન થવું જરૂરી છે. કુલ 6 ક્ષેત્રો પર આ રિપોર્ટ કેન્દ્રીત થયો છછે. જેમાં પાણી ઉપરાંત પર્યાવરણ સંબંધીત આયોજન અને શહેરી જળસ્ત્રોતોની જાળવણી તથા તેને સલામત રાખવા એ સૌથી મોટો પડકાર બની ગયો છે. શહેરોમાં વધતી વસ્તી સાથે પાણીની માંગ વધી રહી છે તે સૌથી મોટો પડકાર છે.
આ કમીટીનું નેતૃત્વ નિવૃત આઈએએસ કેશવ વર્મા અને શહેરી વિકાસ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી અશ્વિનીકુમાર જે આ કમીટીના નાયબ અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી તે ભલામણ કરી છે કે જાહેર અને ખાનગી તમામ જળાશયોને એક માન્ય જળબોર્ડ હેઠળ લાવવા જોઈએ પછી તે ભરાયેલા હોય કે ખાલી-સુકાયેલા હોય તેનો પણ સમાવેશ કરવો જોઈએ.
આ કમીટીના અન્ય સભ્યોમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના સીઈઓ ડી.પી.દેસાઈ શહેરી આવાસ અને શહેરી વિકાસ વિભાગના સચીવ પી.કે.દતા, ચીફ ટાઉન પ્લાનીંગ ઓફીસર ડી.જે.જાડેજા, સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલીની અગ્રવાલ તથા સેપ્ટના પ્રો.સાસ્વત બંદોપાધ્યાય અને પ્રો.સેજલ પટેલનો સમાવેશ થયો હતો.
કમીટીએ ગુજરાતના શહેરોના વિકાસ માટે રચનાત્મક અભિગમ અપનાવવા પર ભાર મુકયો હતો અને શહેરી ક્ષેત્રમાં ખાસ કરીને રીડેવલપમેન્ટમાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટની જોગવાઈ કરવાની ભલામણ કરી છે.
આ ઉપરાંત રાજયનો એક વિકાસ બ્લુપ્રીન્ટ- નકશો તૈયાર કરવાની આવશ્યકતા દર્શાવી છે. જેમાં જાહેર ટ્રાન્સપોર્ટ અને અસરકારક પાર્કીંગ મેનેજમેન્ટનો ખાસ સમાવેશ કરાયો છે. કમીટીએ નોંધ્યુ કે 2024માંજ રાજયમાં 12 લાખ ટુ વ્હીલર સાથે 18 લાખ વાહનો નોંધાયા છે. 15 વર્ષ પુર્વે તે 41000 હતા. ફકત અમદાવાદમાંજ રોજની નવી 100 કાર નોંધાય છે. જે ટ્રાફિક-પાર્કીંગ સહિતની સમસ્યાઓને અકરાવે છે.
શહેરમાં જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ સારી બનાવવાની આવશ્યકતા દર્શાવી છે તથા ટ્રાફિક મેનેજમેન્ટ અંગે પણ નવા પ્રયાસો જરૂરી છે. વધુ જાહેર ટ્રાન્સપોર્ટ આકર્ષક વ્યવસ્થાની વ્યક્તિગત વાહનોને ઉપયોગ ઘટશે અને રાજયમાં હાલ 2000 સીટી બસ છે તે વધારીને 9000 કરવાની જરૂર છે.
કયાંથી થાય આયોજન! શહેરીવિકાસ વિભાગમાં 58% સ્થાનો ખાલી
રાજય સરકાર નિયુક્ત કમીટીએ જીલ્લા શહેરી વિકાસ ઓથોરિટી રચવા ભલામણ કરી છે. જેનાથી ગ્રામીણ વિકાસમાં પણ આયોજન આવશે પણ સૌથી મોટી જરૂરિયાત શહેરી વિકાસમાં ખાલી જગ્યાની છે.
કુલ 1140 માન્ય જગ્યા સામે 665 જ એટલે કે 58% ખાલી છે જેના કારણે સીધી અસર કામગીરી પર થાય છે. આ ઉપરાંત શહેરોમાં પાર્કીંગ મેનેજમેન્ટમાં ખાસ ઝોન બનાવી તેનું સંચાલન નિશ્ચિત કરવાની ભલામણ કરાઈ છે. સરકારે જાહેર માર્ગો પર પાર્ક થતા વાહનો અંગે પણ પોલીસી બનાવવી જરૂરી છે.