મૂળ ગુજરાતના કચ્છના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી.અંજારિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુકિત કરવા સત્તાવાર બહાલી આપી દીધી છે. આ સિવાય, ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.ચંદુકરને પણ સુપ્રીમકોર્ટ જજ તરીકે બહાલી મળી છે. આમ, ગુજરાતના વઘુ એક જજ સુપ્રીમકોર્ટમાં નિયુક્ત થયા છે, જેને લઇ રાજયના ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા હજુ ત્રણ દિવસ પહેલા જ આ નામોની સુપ્રીમકોર્ટ જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી. જેની પર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ આખરે ભારતના રાષ્ટ્રપતિએ પણ આજે સત્તાવાર બહાલી આપી હતી.
ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સુપ્રીમ કોર્ટમાં જજ બન્યાં
સુપ્રીમકોર્ટને હવે નવા ત્રણ જજ મળતાં સુપ્રીમકોર્ટમાં જજોનું કુલ સંખ્યાબળ 34નું થશે. જસ્ટિસ નિલય વી. અંજારિયા મૂળ કચ્છના માંડવીના વતની છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા પણ માંડવી કોર્ટમાં સિનિયર એડવોકેટ હતા.
જસ્ટિસ એન.વી. અંજારિયાનો જન્મ તા. 23 માર્ચ, 1965 માં અમદાવાદમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કરી 1988 થી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ શરૂ કરી હતી. દરમ્યાન તેમણે 1989 માં કાયદામાં માસ્ટર્સ કર્યું હતું. વર્ષ 2011 માં તેઓ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ અને 2013 માં કાયમી જજ બન્યા હતા. તા.21/11/2011 થી ફેબુ્રઆરી 2024 સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે કાર્યરત રહ્યા હતા અને તા.25/02/2024 ના રોજ તેઓ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા હતા.