બધુ મળ્યુ છે, માત્ર ટેસ્ટ ટીમનાં કેપ્ટન બનવાની ઈચ્છા પુરી થઈ નથી
મુંબઇ : ઇંગ્લેન્ડની આગામી ટેસ્ટ-ટૂરમાં ભારતીય ટીમનો સૌથી અનુભવી પ્લેયર 36 વર્ષનો રવીન્દ્ર જાડેજા છે જે યુવા કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કેપ્ટન રિષભપતના નેતૃત્વમાં રમતો જોવા મળશે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના પોડકાસ્ટમાં સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે રિટાયરમેન્ટ પહેલાં ટેસ્ટ-કેપ્ટન્સી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પોડકાસ્ટમાં જ્યારે અશ્વિને પૂછ્યું કે ક્રિકેટમાંથી નિવૃત્તિ પહેલાં તારી છેલ્લી ઇચ્છા શું છે ત્યારે એનો જવાબ આપતાં જાડેજાએ કહ્યું, ‘હવે ફક્ત એક જ વસ્તુ બાકી છે, ટેસ્ટ-કેપ્ટન્સી. મેં બાકીનું બધું જ હાંસલ કર્યું છે અને ટેસ્ટ-કેપ્ટન બનવું કે ભારતનું નેતૃત્વ કરવું એ ગર્વની વાત છે. ટીમને કેવી રીતે ચલાવવી એ વિશે દરેક કેપ્ટનની અલગ-અલગ વિચારસરણી હોય છે.
બિહારના બે મહેન્દ્ર સિંહ વચ્ચે રહી છે જાડેજાની ક્રિકેટ-સફર
રવીન્દ્ર જાડેજાએ આ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તે 8-9 વર્ષનો હતો ત્યારે ક્રિકેટ બંગલા નામના મેદાનમાં તેણે બિહારના મહેન્દ્ર સિંહ ચૌહાણના કોચિંગ હેઠળ ક્રિકેટની તાલીમ લીધી હતી.
તેઓ 15-20 કિલોમોટર દોડાવતા અને ચોમાસામાં પાણીથી ભરાયેલા મેદાનમાં ડાઇવ લગાવી કેચિંગ-પ્રેક્ટિસ કરાવતા. એની અસર આજે જાડેજાની ફિટનેસ અને ફીલ્ડિંગમાં જોવા મળે છે. તેણે એ પણ ઉમેર્યું કે મેં માહીભાઈને એમ પણ કહ્યું છે કે મારી ક્રિકેટ-સફર બે મહેન્દ્ર સિંહ (મહેન્દ્ર સિંહ ચૌહાણ અને મહેન્દ્ર સિંહ ઘોની) વચ્ચે રહી છે.