નવી દિલ્હી: નવા આવકવેરા કાનૂનમાં કરદાતાના ડીજીટલ એકાઉન્ટ અને ડિજીટલ એસેટસ પણ ચકાસવાની આવકવેરા વિભાગને સતા છે તેવા અહેવાલ બાદ લોકોની સોશ્યલ મીડીયા- ઈ-મેલ તથા અન્ય ડિજીટલ ગુપ્તતાના અને ડેટાભંગનો મુદો ચગ્યો છે તે વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ નવી જોગવાઈ નથી અને તે કાર્યવાહીથી કરદાતાનો ગુપ્તતાનો કોઈ ભંગ થશે નહી.
સતાવાર સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રકારની જોગવાઈ આવકવેરા-કાનૂન 1961માં અગાઉથી જ અમલમાં છે અને નવા કાનૂનમાં પણ તેને સમાવાઈ છે. ડીજીટલ એકસેસ મુજબ લોકો તેના ઈ-મેલ કે અન્ય પેસેન્જર મારફત જે કોઈ વાતચીત- ડોકયુમેન્ટની લેવડદેવડ કરે છે તે તપાસીને તેમાંથી કરચોરીનું પગેરૂ મેળવવા આવકવેરા વિભાગનો પ્લાન છે.
જયારે તેના સોશ્યલ મીડીયા એકાઉન્ટને પણ ચકાસી શકશે. ડિજીટલ વોલેટ જેના પરથી નાણાકીય વ્યવહાર થઈ શકે છે તે પણ બોલાવી શકાશે. આ અંગે આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યુ કે તમામ કરદાતાના ડીજીટલ કે સોશ્યલ મીડીયા એકાઉન્ટ ચકાસવાનો કોઈ પ્રશ્ન જ નથી કે આવકવેરા વિભાગ આ પ્રકારના વ્યવહારો પર નજર રાખતું પણ નથી.
પરંતુ સર્ચ, સર્વે કે તેવા પ્રકારની કાર્યવાહી જેમાં આવકવેરા વિભાગના અધિકારીને સતા અપાઈ હોય તેવો જ કરદાતાના સોશ્યલ મીડીયા- ડિજીટલ એકાઉન્ટના પાસવર્ડ માંગીને તેની તપાસ કરી શકશે. જેમાં કોમ્પ્યુટર સીસ્ટમનો પણ સમાવેશ થાય જ છે. આ પ્રકારે 1% કેસમાં જ આવકવેરા વિભાગ ડિજીટલ એકસેસ કરે છે અને તેના ડેટા કોઈને શેર થતા નથી.