કેરળના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ પછી એક દુર્લભ મહાકુંભભિષેક થવા રહ્યો છે. આ દુર્લભ મહાકુંભભિષેક 8 જૂને થશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આ મંદિરમાં લાંબા સમયથી બાકી રહેલું જીર્ણોદ્વાર કાર્ય હાલમાં જ પૂર્ણ થયું છે. આ કાર્ય પૂર્ણ થયા પછી આવતા અઠવાડિયે ભવ્ય મહાકુંભભિષેક થશે. મંદિરમાં રહેતા પૂજારીઓના મતે આ અનુષ્ઠાનનો હેતુ આધ્યાત્મિક ઉર્જાને મજબૂત કરવાનો અને મંદિરની પવિત્રતાને ફરીથી જાગૃત કરવાનો છે.
270 વર્ષ બાદ થશે મહાકુંભભિષેક
આ ખાસ પ્રકારનું મહા-અનુષ્ઠાન 270 વર્ષ પછી થવા જઈ રહ્યું છે. મંદિરના મેનેજર બી. શ્રીકુમારે આ અંગે જણાવ્યું કે, ‘સદીઓ જૂના મંદિરમાં 270 વર્ષથી વધુ સમયના અંતરાલ પછી આ પ્રકારનો વ્યાપક જીર્ણોદ્વાર અને તેની સાથે સબંધિત વિધિઓ કરવામાં આવી રહી છે અને આગામી કેટલાક દાયકાઓમાં તે ફરીથી થવાની શક્યતા નથી.’મંદિર પરિસરમાં 8 જૂનના રોજ ‘મહાકુંભભિષેક’ અનુષ્ઠાન થશે. આ કાર્યક્રમના ભાગ રૂપે વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે, જેમાં નવનિર્મિત ‘તજિકાકુડમ’ (ગર્ભગૃહની ઉપર ત્રણ અને ઓટ્ટક્કલ મંડપની ઉપર એક)નો અભિષેક, વિશ્વસેનની મૂર્તિનું પુનઃસ્થાપન અને તિરુવંબાડી શ્રી કૃષ્ણ મંદિર (મુખ્ય મંદિર પરિસરમાં સ્થિત)માં ‘અષ્ટબંધ કલસમ’ સામેલ છે.
મંદિરના મેનેજર બી શ્રીકુમારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે, ‘2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાત પેનલના નિર્દેશો પ્રમાણે જીર્ણોદ્વારનું કામ કરવામાં આવ્યું છે. જોકે કામ ઘણા સમય પહેલા શરૂ થયું હતું, પરંતુ કોવિડની સ્થિતિને કારણે તે આગળ ન વધી શક્યું.’