રિયાસી (જમ્મુ-કાશ્મીર)
દુનિયાના સૌથી ઉંચા પુલ પરથી પસાર થઇ કાશ્મીરની ખીણમાં વંદે ભારત ટ્રેનની આજે સફળ ટ્રાયલ યોજાઇ હતી. ભારતીય રેલવેએ આજે શ્રી માતા વૈષ્ણોદેવી કટરમા રેલવે સ્ટેશનથી શ્રીનગર રેલવે સ્ટેશન સુધી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન કરી હતી. આ ટ્રેન અંજીખાદ બ્રિજ પરથી પણ પસાર થઇ હતી. જે ભારતનો પ્રથમ પહેલો કેબલ સ્ટેડ રેલવે બ્રિજ છે.
આ ટ્રેનને કાશ્મીરની ઠંડી જલવાયુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઇ છે તે બરફ વર્ષા અને માઇનસ તાપમાનમાં પણ આરામથી દોડશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, અનેક દેશોએ ભારતથી સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનની આયાતમાં રસ દેખાડ્યો છે.
પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના નવી દિલ્હી-કાનપુર, અલ્લાહાબાદ – વારાણસી માર્ગ પર 160 કિ.મી.ની ઝડપે દોડી હતી. નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન વંદે ભારત ટ્રેનમાં યાત્રા કરવા માટે લગભગ 31.84 લાખ બુકીંગ કરાઇ હતી. આ સમયગાળા દરમિયાન વંદે ભારત ટ્રેનોનો કુલ વપરાશ દર 96.62 ટકા રહ્યો હતો.
અનેક ખૂબીઓથી સજ્જ છે ટ્રેન
વંદે ભારત ટ્રેનને ખાસ કરીને કાશ્મીરમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન બરફવર્ષા અને શૂન્યથી માઇનસ ડીગ્રી તાપમાનમાં પણ આરામથી દોડી શકશે.
ટ્રેનમાં મોટા કદના કાચ લગાવાયા છે, જ્યાંથી રેલયાત્રી પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ લઇ શકે છે. કાચ પૂરી રીતે ફૂલ પ્રુફ બનાવાયા છે. આ ટ્રેન પર કોઇ પથ્થરમારો થાય તો પણ તેના કાચને કંઇ નુકશાન ન થાય.
વંદે ભારત ટ્રેનને દિલ્હીથી કટરા પહોંચવામાં 8 કલાક લાગે
નવી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને કટરા વચ્ચે 655 કિમીનું અંતર 8 કલાક અને 5 મિનિટ લાગે છે. આ ટ્રેન અંબાલા છાવણી, લુધિયાણા જંક્શન, પઠાણકોટ છાવણી અને જમ્મુ તાવીમાં રોકાય છે. તેમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનને ચેન્નઈ સ્થિત ઈંટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી હતી અને 3 ઓક્ટોબર 2019ના રોજ તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનિય છે કે, રેલવે તરફથી ભારતના વિવિધ વિસ્તારોને કાશ્મીર ઘાટી સાથે જોડવા માટે લાંબા સમયથી કનેક્ટિવિટી પર કામ થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે ડિસેમ્બર 2024માં આ સમાચાર આવ્યા હતા કે દિલ્હીથી શ્રીનગરની ડાયરેક્ટ જોડતી રેલ લાઈન જાન્યુઆરીમાં શરુ થઈ શકે છે.
આ રુટ પર વંદે ભારત જેવી ટ્રેનો પણ ચલાવવાની તૈયારી હતી. વંદે ભારત ટ્રેન દિલ્હીથી શ્રીનગર સુધી 800 કિમીની મુસાફરી 13 કલાકમાં પુરી કરશે.