પ્રશ્નપત્ર 2021થી સોશિયલ મીડિયા વેબ બ્લોગ પોસ્ટ પર ઉપલબ્ધ હતું,બ્લોગ ફિશરીઝના પ્રોફેસર હિમતનગરથી ચલાવે છે
ગુજરાતમાં અવાર નવાર પરીક્ષામાં ગેરરીતિ અને ગોટાળાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક પરીક્ષામાં ગેરરીતીનો મામલો સામે આવ્યો છે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટો ધડાકો કર્યો છે. જેમાં અવાર નવાર વિવાદમાં રહેતી કામધેનુ યુનિવર્સિટી પર છબરડાના આક્ષેપ કર્યા છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરી જણાવ્યું કે, આજથી 9 મહિના પહેલા એટલે કે 12/03/2024 એ કામધેનુ યુનિ. દ્વારા અલગ અલગ સંવર્ગની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલ 15/03/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી.
જેમાં એક સંવર્ગની જગ્યાનું નામ હતું સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ (ફિશરીઝ) વર્ગ 3. (પોસ્ટ/વેકેન્સી-1) આ સરકારી કાયમી નોકરી છે અને તેનો પગાર ધોરણ 49600 છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ નું પ્રમોશન મદદનીશ પ્રાધ્યાપક માં થાય છે કે જે યુનિવર્સિટીમાં એક પ્રતિષ્ઠિત પદ છે.
ત્યારે આ પદ માટે સેંકડો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં ચોંકાવનારી અને અજીબ વાત એ છે કે, આ પરીક્ષામાં 200 માર્કસ નુ ખઈચ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતુ અને આ આ જ પ્રશ્નપત્ર પહેલાથી એટલે 2021 થી એક સોશિયલ મીડીયા વેબ બ્લોગ પોસ્ટ ઉપર ઉપલબ્ધ હતું.
યુવરાજસિંહે જણાવ્યુ છે કે, આ બ્લોગ ફિશરીઝનાં એક પ્રોફેસર દ્વારા હિંમતનગરથી જ ચલાવવામાં આવે છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હમણાં થોડા દિવસો પહેલા જ મેરીટ યાદી પણ આવી અને જે વ્યક્તિ મેરીટમાં પહેલા ક્રમાંકે છે તે પણ હિંમતનગરથી છે. હવે આ સંયોગ છે કે શું તે શું ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
વધુમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ત્રણ ફિશરીઝ કોલેજો હોવા છતાં કામધેનું યુનિવર્સીટીનાં યુનિવર્સીટી ભવનમાં એક પણ અધિકારી ફિશરીઝ ફિલ્ડનો નથી. ત્યારે યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે કે, 2021 નું પેપર પૂછવાનો મતલબ શું ? શું કામધેનુ યુનિ. પાસે બીજા કોઈ સારા પેપર સેટર જ નથી ? તેમજ જ્યારે ઉમેદવારો દ્વારા આ છબરડાંની લેખિત રજૂઆત કરવામાં પણ આવી છે તેમ છતા તેની પર તપાસ કરવામા ન આવી.
આ સાથે યુવરાજસિંહે માંગ કરી છે કે, પબ્લિક ડોમીનમાં 2021 નું અપલોડ થયેલા પેપર 2024 માં પુછી પોતાના વાલા દવાલાને પાસ કરવાનું ષડ્યંત્ર તો નથી ચાલતું ને તેની નિષ્પક્ષ તપાસ મત્સ્ય અમે પશુપાલન મંત્રી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરવી જોઈએ. જેથી તથ્ય અને સત્ય સામે આવી શકે અને ઉમેદવારો ને ન્યાય મળે.