
અમદાવાદ
છેલ્લા ત્રિમાસિક પરિણામો જાહેર કરતી વખતે કંપનીએ આપેલ જાણકારી મુજબ તેની પાસે ચૌદ કરોડથી વધુ એક્ટિવ ડિમેટ ખાતાં છે. વસ્તીને આધારે દુનિયાના દેશોની યાદી બનાવીએ તો કુલ 194 દેશોમાંથી માત્ર 10 દેશો એવાં છે કે જેમની વસ્તી આ કંપની હસ્તકના એક્ટિવ ડિમેટ ખાતાંથી વધારે હોય. કહેવાનો અર્થ એ છે કે, આ કંપની પાસે ખૂબ વિશાળ અને વિસ્તૃત ગ્રાહક વર્ગ છે. નાણાં બજારમાં મૂળભૂત, પાયારૂપ અને આનુસંગિક સેવાઓ પૂરી પાડતી, ડિપોઝીટરી એવી, આ કંપની નાણાંકીય માળખાગત સુવિધાઓ (Financial Infrastructure)નો અત્યંત આવશ્યક ઘટક છે.
ડીપોઝીટરી એટલે શું?
રોકાણકારોની સિક્યોરિટીઝને ઈલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાની પાસે જાળવી રાખતી કંપની ડિપોઝીટરી કંપની કહેવાય. માની લો કે આપે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અથવા મોતીલાલ ઓસ્વાલ ફાયનેન્સયલ સર્વિસિસમાં ડિમેટ ખાતું ખોલાવ્યું, તો આપનું ડિમેટ ખાતું ભલે સ્ટેટ બેન્ક અથવા MOFSL માં હોય, આપના શેર્સ આખરે NSDL અથવા CDSL પાસે હોય. NSDL અને CDSL એ ડિપોઝિટરી કંપનીઓ છે. તેમની સાથે સંલગ્ન બેન્કર્સ, બ્રોકર્સ વિગેરે ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટસ કહેવાય. આ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટસ ગ્રાહકનું ખાતું જે તે ડિપોઝિટરીમાં ખોલે. જો NSDL માં ખાતું ખૂલ્યું હોય તો ગ્રાહકને 8 આંકડાનો ક્લાઈન્ટ આઈડી અને અંગ્રેજી મૂળાક્ષરો IN થી શરૂ થતો આઠ આંકડાનો ડીપી આઈ.ડી. આપવામાં આવે. જો ખાતું CDSL માં ખૂલ્યું હોય તો ગ્રાહકને સોળ આંકડાનો BO આઈ.ડી. આપવામાં આવે. ડીમેટ એટલે ડી-મટિરિયલાઇઝ સ્વરૂપે સિક્યોરિટીઝ રાખનાર ગ્રાહક ‘બેનેફિશિયરી’ કહેવાય.
ગ્રાહક પાસે જો અગાઉના કોઈક શેર્સ ફિસિકલ સ્વરૂપે હોય, તો તેઓ ડીમેટ ફોર્મ ભરી પોતાના બેન્કર અથવા બ્રોકરને આપશે. તેઓ આ ફોર્મ અને ઓરિજિનલ સર્ટિફિકેટ સંબંધિત કંપનીના શેર ટ્રાન્સફર રજીસ્ટ્રારને મોકલશે. તેઓ આ સર્ટિફિકેટ પ્રમાણિત કરે ત્યારે ડિપોઝિટરી પોતાનાં રેકોર્ડ્સમાં તેની ડિજિટલ સ્વરૂપે ક્રેડિટ એન્ટ્રી કરે અને જે તે ગ્રાહકના ખાતે તે શેર્સ જમા આપે. ત્યારબાદ ગ્રાહક ડીમેટ સ્લીપ મારફત પોતાનાં શેર્સ એક ખાતાંમાંથી બીજા ખાતાંમાં ફેરવી શકે. બ્રોકર પાસે શેર વેચાણ કરવાના કિસ્સામાં હાલ મોટાભાગના બ્રોકર્સને સ્લીપ આપવાની જરૂર રહેતી નથી. કેમકે, બ્રોકર્સ તેમનાં ગ્રાહક પાસેથી શેરનું પે-ઇન પૂરું કરવા માટેની મર્યાદિત પાવર ઓફ એટર્ની લે છે.
કંપનીનું કામકાજ અને પેટાકંપનીઓ:

સ્ત્રોત: Quarterly Report presented by CDSL
ડિપોઝિટરી તરીકે કામકાજ શરૂ કરનાર આ કંપની હાલ KYC સર્વિસિસ, ઇન્શ્યોરન્સ અને કોમોડિટી રિપોઝીટરીની સેવાઓ પણ આપી રહી છે. અલબત્ત, આ કારોબાર કંપની પોતાની પેટાકંપનીઓ મારફત કરી રહી છે. CDSL વેન્ચર લિ. KYC સંબંધિત, CDSL ઇન્શ્યોરન્સ રિપોઝીટરી લિ. વીમાપોલિસીઓ ડિજિટલ સ્વરૂપે જાળવવાની અને CDSL કોમોડિટી રિપોઝીટરી લિ. એ કોમોડિટીની રિપોઝીટરી છે. આમ, આ કંપની મૂડીબજાર સાથે સંકળાયેલ બહુવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.
કંપનીની માલિકી:
આ ડીમ્યુચ્યુઅલાઈઝ કંપની છે. એટલે કે, કોઈ એક વ્યક્તિ કે ઉદ્યોગ જૂથ તેના માલિક તરીકે નથી. અનેક સંસ્થાઓ તેની ઇક્વિટી ધરાવે છે. આ સંસ્થાઓ વતી વિવિધ ડાયરેક્ટર્સ કંપનીની કામગીરી સંભાળે છે. કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરે છે, જેઓ કંપનીના રોજબરોજના કામકાજ અને કારોબારની દેખરેખ રાખે છે. કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો, 15% ઇક્વિટી પ્રમોટર જૂથ પાસે અને 85% ઇક્વિટી જાહેરજનતા પાસે છે. આ જાહેરજનતામાં પણ 33 મ્યુચ્યુઅલ ફંડ્સ, 1 બેન્ક, 18 ઇન્શ્યોરન્સ કંપનીઓ, 3 NBFC વિગેરેનો સમાવેશ થાય છે.
કંપનીની નાણાંકીય સ્થિતિ:

સ્ત્રોત: Quarterly Report presented by CDSL
કંપનીના નફામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો છે. નાણાં વર્ષ 2025 ના ત્રીજા ત્રિમાસિક (ડિસેમ્બર ક્વાટર)માં કંપનીએ રૂ.298 કરોડની કુલ આવકો, રૂ.168 કરોડનો કુલ ખર્ચ અને રૂ.130 કરોડનો નેટ પ્રોફિટ રિપોર્ટ કર્યો છે. કંપનીનું બિઝનેસ મોડલ જોઈએ તો તેનાં ડિમેટ ખાતાંઓની સંખ્યા Q3 FY24 થી Q3 FY25 માં 10 કરોડથી વધી 14 કરોડને પાર પહોંચી છે. આમ, એક વર્ષમાં તેનાં ડિમેટ ખાતાંની સંખ્યામાં 40% નો વધારો થયો છે. નોંધવું રહ્યું કે, ડિમેટ ખાતાંઓની સંખ્યા વધતાં કંપની પાસે લાંબાગાળાની ટ્રેલિંગ ઇન્કમ ઊભી થઈ છે.
નોંધવું રહ્યું કે, છેલ્લા ત્રિમાસિક પરિણામોની જાહેરાતમાં કંપનીના શેર દીઠ અર્નિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2024 માં પૂરા થયેલ ત્રિમાસિકમાં કંપનીની કરવેરા પછીની કુલ આવકો રૂ.170 કરોડ હતી, જે ડિસેમ્બર 2024 માં પૂરા થયેલ ત્રિમાસિકમાં ઘટીને રૂ.105 કરોડ થઈ છે. સાથે તે પણ નોંધવું રહ્યું કે એક વર્ષ અગાઉ આ ત્રિમાસિક (ડિસેમ્બર 2023) માં કંપનીએ કુલ આવક રૂ. 85 કરોડ રિપોર્ટ કરી હતી. આમ, વાર્ષિક ધોરણે કંપનીની કુલ આવકો વીસ કરોડથી વધી હોવા છતાં ત્રિમાસિક ધોરણે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત ઓગસ્ટમાં કંપનીએ એક શેરે એક બોનસ આપ્યું હોઇ તેની પેડઅપ ઇક્વિટી બમણી થઈ રૂ. 10450 થી વધીને 20900 થઈ છે.
શેરદીઠ કમાણી:
ડિસેમ્બર 2023 માં પૂરા થયેલ ત્રિમાસિકમાં કંપનીની શેરદીઠ કમાણી (EPS) 4.10 હતી, તે સપ્ટેમ્બર 2024 માં પૂરા થયેલ ત્રિમાસિકમાં વધીને 8.19 થઈ હતી. ડિસેમ્બર 2024 માં પૂરા થયેલ ત્રિમાસિકમાં તે ઘટીને 5.02 થઈ છે. કંપનીએ ઇન્ફોર્મેશન ટેકનૉલોજીમાં સતત ખર્ચ કરવો પડે છે. કંપનીનું સંપૂર્ણ બિઝનેસ મોડલ આઈ.ટી. આધારિત છે અને તેથી તેણે પોતાની સેવાઓને સતત અધ્યતન રાખવા પ્રયત્નશીલ રહેવું પડે છે. પાછળ ત્રિમાસિકમાં કંપનીના ખર્ચમાં વધારો થતો જોવાયો છે, જેમાંથી રૂ. 5 કરોડનો ખર્ચ આઈ.ટી. બાબતોને લાગતો છે.
શેરનો ભાવ:

ઉપર ચર્ચા કરી તેમ, સપ્ટેમ્બર 2024 માં કંપનીએ અત્યંત ઉત્કૃષ્ટ પરિણામો જાહેર કર્યા હતા. તેનાં પગલે શેરનો ભાવ ડિસેમ્બરમાં રૂ. 1989 ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. પરંતુ, ત્યારબાદ બજારમાં જોવાયેલ સતત વેચવાલીને પગલે તેમજ ડિસેમ્બરમાં પૂરા થતાં ત્રિમાસિકના પરિણામો જાહેર થયા બાદ સતત ઘટીને ગત ગુરુવારના રોજ રૂ.1071 બંધ રહ્યો છે. આમ, હાઇ થી આ શેરનો ભાવ લગભગ અડધો થઈ ગયો છે. હાલ તે 41 ના PE પર ટ્રેડ થઈ રહ્યો છે.
જ્યારે ડીમેટ ખાતાંની શરૂઆત થઈ હતી, ત્યારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ ઘણી આગળ હતી. NSDL હસ્તકના ડીમેટ ખાતાંઓની સંખ્યા ત્રણ કરોડે પહોંચી હતી ત્યારે CDSL જાણે કે શરૂઆત કરી રહી હતી. પરંતુ, છેલ્લા એક દશકમાં CDSL એ લગભગ 80% બજાર હિસ્સો હાંસલ કરી લીધો છે, જે તેની સફળતાનો બોલતો પૂરાવો છે.