નવી દિલ્હી : આર્થિક વૃદ્ધિની ગતિ, બજારની અનુકૂળ સ્થિતિ અને નિયમનકારી માળખામાં સુધારાને કારણે આ વર્ષે એટલે કે 2024 માં આઇપીઓ માર્કેટમાં ઘણો વિકાસ થયો છે. વર્ષ દરમિયાન કંપનીઓએ આઇપીઓ દ્વારા 1.6 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ એકત્ર કરી છે.
એવું માનવામાં આવે છે કે આગામી વર્ષ આઇપીઓ માટે પણ ઘણું સારું રહેશે. આઈપીઓ માટેનું આ અસાધારણ વર્ષ માત્ર ઈશ્યુ જારી કરતી કંપનીઓનાં વિશ્વાસને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ રોકાણકારોના વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે. લિસ્ટિંગના દિવસે નફો કમાવવા ઉપરાંત, રોકાણકારોએ કંપનીઓની લાંબા ગાળાની સંભવિતતામાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આ વર્ષે રૂ. 27870 કરોડનો આઈપીઓ આવ્યો હતો.
મોટી, મધ્યમ અને નાની કંપનીઓનાં આઇપીઓ
વર્ષ દરમિયાન મોટી, મધ્યમ અને નાની કંપનીઓએ શેર જારી કરીને ભંડોળ એકત્ર કર્યું હતું. 2024 માં આઇપીઓનું સરેરાશ કદ વધીને રૂ. 1700 કરોડ થશે. 2023 માં તે 867 કરોડ રૂપિયા હતો. એકલા ડિસેમ્બરમાં ઓછામાં ઓછા 15 આઇપીઓ આવ્યાં છે.
ઈસીએમના ડિરેક્ટર અને હેડ આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, રિટેલ રોકાણકારોની વધતી જતી ભાગીદારી અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની સક્રિય ભાગીદારી, ખાનગી મૂડી ખર્ચમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મુખ્ય ક્ષેત્રો પર સરકારનું ધ્યાન સામૂહિક રીતે પરિણમ્યું છે. જેનાથી આઇપીઓ દ્વારા ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે.
નવા વર્ષમાં આઇપીઓ માર્કેટ કેવું રહેશે
બજાર વિશ્લેષકો માને છે કે નવાં વર્ષમાં પણ આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓમાં વધારો થશે. આવતાં વર્ષે એટલે કે 2025 માં આઇપીઓનો આંકડો આ વર્ષનાં આંકડા કરતાં વધી શકે છે. ઇક્વિરસના ઇક્વિટી કેપિટલ માર્કેટ્સના એમડી અને હેડ મુનીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ’75 આઇપીઓ દસ્તાવેજો હાલમાં મંજૂરીના વિવિધ તબક્કામાં છે. આના આધારે અમે માનીએ છીએ કે 2025માં કંપનીઓ આઇપીઓ દ્વારા 2.5 લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.
કઈ કઈ કંપનીઓનાં આઇપીઓ આવશે
જે કંપનીઓનો આઇપીઓ આવતાં વર્ષે આવી રહ્યો છે તેમાં એચડીવી ફાઇનાન્શિયલ સર્વિસિસનો રૂ.12500 કરોડનો આઇપીઓ આવશે. આ ઉપરાંત,એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનો રૂ. 15000 કરોડનો આઇપીઓ અને હેક્સાવેર ટેક્નોલોજીનો રૂ. 9950 કરોડનો આઇપીઓ આવશે.
કેવું હતું એસએમઈ આઇપીઓ માર્કેટ
પ્રાઈમ ડેટાબેઝ ડોટકોમ અનુસાર, આ વર્ષે નાની અને મધ્યમ કંપનીઓનાં આઇપીઓ માર્કેટમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે. વર્ષ દરમિયાન 238 નાની અને મધ્યમ કંપનીઓએ શેર ઈશ્યુ કરીને રૂ. 8700 કરોડ એકત્ર કર્યા છે.
કયાં મોટા આઇપીઓ રહ્યાં
આ વર્ષનો સૌથી મોટો આઇપીઓ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો રૂ. 27870 કરોડનો હતો. તે પછી સ્વિગીનો 11327 કરોડનો, એનટીપીસી ગ્રીન એનર્જીનો 10000 કરોડનો, બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો 6560 કરોડનો અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો 6145 કરોડનો આઇપીઓ હતો. તેનાથી વિપરિત, વિભોર સ્ટીલ ટ્યુબના આઇપીઓનું કદ સૌથી નાનું એટલે કે 72 કરોડ હતું.