એલોન મસ્કે તેના X પ્લેટફોર્મે પર XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલો મોકલવાનો વિકલ્પ મળશે.
આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે. એલોન મસ્કે 1 જૂને પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, નવું XChat રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે એન્ક્રિપ્શન, વેનિશિંગ મેસેજ અને ફાઇલો મોકલવાનો વિકલ્પ આપે છે.
મસ્કે દાવો કર્યો છે કે, XChat બિટકોઈન-સ્ટાઈલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવ્યું છે.
મસ્કે બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે, XChatની મદદથી યુઝર્સ ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી. ટેકક્રન્ચના રિપોર્ટ્સ અનુસાર, XChat હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે અને કેટલાક લોકો પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
જોકે, કંપનીએ હજુ સુધી તે અંગે માહિતી આપી નથી કે તે સામાન્ય લોકો માટે ક્યારે રિલીઝ કરશે. પરંતુ મસ્કે ટ્વિટ કરીને જે રીતે માહિતી આપી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે બહુ જ જલ્દી સામાન્ય લોકોને પણ આ નવું ફિચર મળી શકે છે. X પ્લેટફોર્મે વર્ષ 2023 માં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે દરમિયાન આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી.
XChatમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp માં ઉપલબ્ધ બધી સુવિધાઓ છે. જોકે, WhatsApp ને મોબાઇલ નંબરથી લોગ ઇન કરવું પડશે. જ્યારે XChatમાં મોબાઇલ નંબર કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.