શેરબજાર ફરી તેજીમાં આવતા નવા રોકાણકારો વધવા લાગ્યા : સમગ્ર દેશમાં એક કરોડથી વધુ ઈન્વેસ્ટરો ધરાવતું ગુજરાત ત્રીજુ રાજય
અમદાવાદ
ભારતીય શેરબજાર મહિનાઓ સુધી મંદી ઉથલપાથલના દોર બાદ ફરી તેજીનાં મંડાણ થઈ ગયા છે અને ઈન્વેસ્ટરો પણ રસ લેવા માંડયા છે. ત્યારે ગુજરાતમાં ઈન્વેસ્ટરોની સંખ્યા એક કરોડના જાદુઈ આંકને વટાવી ગઈ છે. ગુજરાતે શેરબજારના ઈન્વેસ્ટમેન્ટમાં નવુ સિમાચિન્હ હાંસલ કર્યું છે.
છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. નેશનલ સ્ટોક એકસચેંજના સતાવાર રીપોર્ટનાં ગુજરાતમાં 30 એપ્રિલની સ્થિતિએ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા 99.9 લાખ હતી ચાલુ મે મહિનામાં નવા રોકાણકારો ઉમેરાતા સંખ્યા વધીને એક કરોડના આંકને વટાવી ગઈ છે.
ગુજરાતના ભુતકાળ પર નજર કરવામાં આવે તો 2015 માં રાજયમાં ઈન્વેસ્ટરોની સંખ્વા માત્ર 20 લાખની હતી અને 2020 સુધીમાં 38 લાખ પર પહોંચી હતી જે હવે મે 2025 માં એક કરોડને વટાવી ગઈ છે.છેલ્લા પાંચ વર્ષમાં 162 ટકાનો વધારો થયો છે.રીટેઈલ ઈન્વેસ્ટરોની શેરબજારમા ભાગીદારી અસામાન્ય રીતે વધી હોવાનું સુચવાય છે.
નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે એપ્રિલ 2025 નાં અંતે ગુજરાતમાં 99.90 લાખ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરો હતા. ચાલુ માસમાં આ આંકડો એક કરોડને વટાવી ગયો હોવાનો અંદાજ છે. ગુજરાતીઓમાં ઈકવીટી કલ્ચર ઘણુ મજબુત છે અને ખાસ કરીને કોરોનાકાળ બાદ તેમાં મોટો વધારો થયો છે. યુવા વર્ગ ઉપરાંત મહિલાઓ પણ આકર્ષિત થઈ છે.
શેરબજારના વ્યવહારોનું ડીજીટલાઈઝેશન અને આઈપીઓ ભરવાનું સાવ સરળ થઈ જવાની સાથોસાથ સારા રિટર્ન સાથે જાગૃતિ વધતા ઈન્વેસ્ટરોનો પ્રવાહ વધ્યો છે. ગત એપ્રિલ મહિના પુર્વે માર્કેટમાં ઉથલપાથલ અને મંદી હતી છતા ગુજરાતમાં એપ્રિલ મહિનામાં નવા 49000 ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો હતો.
મંદી-અસ્થિર માહોલને કારણે વૃધ્ધિદર ધીમો પડયો હતો. છતાં ચાલૂ મહિનામાં માર્કેટ ફરી તેજીનાં માર્ગે ચડી ગયુ હોવાનાં કારણોસર રોકાણકારોની સંખ્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ ઈન્વેસ્ટરો ફરી દેખાવા લાગ્યા હોવાનું બ્રોકરોએ જણાવ્યું છે.
એક કરોડના જાદુઈ આંક સિદ્ધ થવા સાથે ઈન્વેસ્ટરોની સંખ્યામાં ગુજરાત દેશનું ત્રીજા નંબરનું રાજય બન્યુ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1084 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરો છે. ઉતર પ્રદેશમાં આ સંખ્યા 1.29 કરોડ છે. સમગ્ર ભારતમાં કુલ, ઈન્વેસ્ટરો 11 કરોડ છે.