નવી દિલ્હી – ભારત સરકારની નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ મહત્વપૂર્ણ કૌશલ્ય વિકાસ યોજનાઓમાં ડેટા-આધારિત અંતરાયોની ઓળખ કરવા અને ખાસ કરીને દેશના ઓછી સવલતો ધરાવતા પ્રદેશોમાં લાભાર્થીઓની સહભાગિતા દર વધારવા માટે હાથ મિલાવ્યા છે.
બંને સંસ્થાઓએ આ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ દ્વારા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) લાભાર્થીઓ પર હાલની કૌશલ્ય વિકાસ યોજનાઓની અસરનું મૂલ્યાંકન કરી શકશે, જેમાં તેમની રોજગારી, આવકનું સર્જન અને સામાજિક-આર્થિક ઉત્થાન સામેલ છે.
“એક્સિસ માય ઇન્ડિયા સાથે અમારું જોડાણ વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્યની ખામીઓને ઓળખવા અને તેને દૂર કરવાના અમારા પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિનું દ્યોતક છે. વ્યાપક ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી અમે અમારી વિવિધ કૌશલ્ય યોજનાઓની અસરકારકતામાં વધારો કરીશું.
“અમે સાથે મળીને, અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરીને ભારતને કૌશલ્યનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ “, તેમ NSDC ના CEO અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર વેદ મણિ તિવારીએ જણાવ્યું હતું.
આ ભાગીદારી સહભાગિતા દર, જોડાણ સ્તર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોના પરિણામો પર નજર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, લાભાર્થીઓની સહભાગિતા અને ઉદ્યોગની જરૂરિયાતોની વર્તમાન સ્થિતિ પર આવશ્યક માહિતી એકત્રિત કરવા માટે પાયાના સર્વેક્ષણો હાથ ધરશે.
આ સર્વેક્ષણો ભવિષ્યના મૂલ્યાંકન અને આંકલન માટે સંદર્ભ બિંદુ તરીકે કામ કરશે. તાલીમ કાર્યક્રમોની અસરકારકતા અને તેમના લાંબા ગાળાના પરિણામોને માપવા પર ધ્યાન કેન્દ્રિત કરતા માળખાની રચના અને અમલીકરણ માટે સહિયારા પ્રયાસો કરવામાં આવશે.
“અમે પરિવર્તનકારી કૌશલ્ય પ્રયાસો સાથે પાયાની આંતરદૃષ્ટિને સંરેખિત કરવા માટે NSDC સાથે સહયોગ કરવા માટે ઉત્સુક છીએ. સાથે મળીને, અમે લાભાર્થીઓને, ખાસ કરીને ઓછી સવલતો ધરાવતા સમુદાયોમાં, આજના અર્થતંત્રની માંગને પૂર્ણ કરતી કુશળતા સાથે સશક્ત બનાવી શકીએ. આ ભાગીદારી યુવા ભારતના ડેમોગ્રાફીક લાભને આર્થિક ઉન્નતિમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થશે “, એક્સિસ માય ઇન્ડિયાના CMD પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું.
NSDC એ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત જાહેર-ખાનગી ભાગીદારી (PPP) સાહસ છે.