ઉત્તરાયણના તહેવાર દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીને કારણે ગળામાં ઇજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે. અકસ્માતની ઘટનાઓ તહેવાર દરમિયાન વધતી હોવાના પગલે 108 ઈમર્જન્સી સેવા સતત કાર્યરત હોય છે. ચાલુ વર્ષે ઉત્તરાયણના તહેવારને લઈને ઈમર્જન્સી સેવાઓને પહોંચી વળવા માટે 108 ઈમર્જન્સી સજજ છે.
108 ઇમર્જન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસના તહેવાર દરમિયાન કોઈપણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા અગાઉથી તૈયારીઓ કરી ફોરકાસ્ટ કરવામાં આવે છે. ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં ગુજરાતમાં સામાન્ય રીતે વાહન અકસ્માત, ધાબા-છાપરા પરથી પડી જવાના કિસ્સા, પતંગદોરી હાથ અને ગળામાં વાગવાથી, મારામારીના કેસ અને વિશેષ રૂપે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે ઈજા થતા કેસો જોવા મળે છે.
14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા 842 કેસોની સરખામણાએ 75.28 ટકાનો વધારો દર્શાવે છે. 15 જાન્યુઆરી 2025ના રોજ 1,495 ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે 77.53 ટકાનો વધારો દર્શાવે છે. મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે. કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે એ માટે 1962 એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37થી વધારીને 87 કરવામાં આવી છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ફિલ્ડ પર 800 રોડ એબ્યુલન્સ, 2 બોટ, અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત હશે. 108ને રોજની 3000થી 4000 ઇમર્જન્સી આવતી હોય છે. ચાલુ વર્ષે 14 અને 15જાન્યુઆરી 70 ટકા જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરીએ 4900 ઇમર્જન્સી અને 15 જાન્યુઆરીએ 4500 ઇમર્જન્સીના કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીના કારણે પશુ-પંખીઓને પણ ઇજાઓ થતી હોય છે. ત્યારે પશુ-પક્ષીઓ માટે પણ મેડિકલ ઇમર્જન્સી કાર્યરત હોય છે. કરુણા અભિયાન હેઠળ પશુ-પક્ષીઓને પણ ઇમર્જન્સી સારવાર મળી રહેશે. કુલ 87 એમ્બ્યુલન્સ અને દરેક એમ્બ્યુલન્સમાં 2 ટીમ હાજર રહેશે. ઉત્તરાયણમાં પશુ-પક્ષીઓ માટે 1962ને કોલ કરી શકાશે. અનાથ પશુઓને મદદ કરવા માટે 1962ને કોલ કરી શકાય છે.