ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવાને રાજ્યભરમાં હજારો ઇમરજન્સી કોલ મળ્યા હતા. જેમાંથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 33 દર્દીઓને તાત્કાલિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે 4 દર્દીઓને દોરીથી ગળા તથા નાકના ભાગે ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સિવિલના ડોક્ટર સ્ટેન્ડ બાય
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણને લઈને 37 દર્દીઓ ટ્રોમા સેન્ટરના સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 33 દર્દીઓને OPDમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. જ્યારે દર્દીઓને દોરીથી ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દોરીથી ગળે ઈજા પહોંચવાના, નાકે ઈજા પહોંચવાના 4 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આજે વાસી ઉત્તરાયણ પર ટ્રોમા સેન્ટરમાં પણ ડોકટરની ટીમ સ્ટેન્ડ બાય છે, જેથી કોઈ દર્દી સારવાર માટે આવે તો ઝડપથી સારવાર આપી શકાય.
રાજ્યમાં 143 લોકોને દોરી વાગવાથી ઇજા
14 જાન્યુઆરીના રોજ 108 ઈમરજન્સી સેવાને આખા રાજ્યમાંથી 4948 કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધારે અકસ્માતથી ઇજા થવાના કેસ 1136 જેટલા મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે આખા રાજ્યમાં 143 લોકોને દોરી વાગવાના કારણે ઇજા થઈ હતી. જેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધાબા કે, અન્ય જગ્યાએથી પડી જવાના 390 જેટલા કોલ મળ્યા હતા અને તેઓને પણ 108માં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. મારામારીના પણ સૌથી વધારે 443 જેટલા કોલ મળ્યા હતા.
સામાન્ય દિવસો કરતા 192 ટકા કોલમાં વધારો
108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ ઉત્તરાયણના તહેવારના દિવસે સામાન્ય દિવસો કરતા 192 ટકા કોલમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 400 જેટલા અકસ્માતના આખા રાજ્યમાંથી કોલ મળતા હોય છે, પરંતુ ઉત્તરાયણના દિવસે 1198 જેટલા કોલ મળ્યા હતા. સામાન્ય દિવસોમાં 4,000ની આજુબાજુ ઈમરજન્સી કોલ મળતા હોય છે, પરંતુ ઉત્તરાયણના તહેવારના દિવસે 5,000 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધારે 1,050 જેટલા કોલ મળ્યા હતાં. અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, દાહોદ, મહેસાણા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ સહિતના શહેરોમાં પણ સામાન્ય દિવસ કરતાં વધારે કેસો મળ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ પતંગની દોરીથી ઇજા થવાના અને અકસ્માતના કેસો નોંધાયા છે. ઉતરાયણના દિવસે ધાબા પરથી પડી જવાના, માથામાં અને પગમાં ઈજા, ગળામાં દોરી વાગવાના કેસો સામે આવ્યા હતા. ઉતરાયણના દિવસે 28 વર્ષીય યુવક ધાબા પરથી પડી જતાં તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે તેને સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં એક યુવક ગંભીર હાલતમાં દાખલ છે.
14 જાન્યુઆરીના રોજ ઉતરાયણના તહેવારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલમાં ગળાના ભાગે, મોઢાના ભાગે દોરી વાગવાના કેશો સામે આવ્યા હતા. જેમાં 26 જેટલા દર્દીઓને સારવાર બાદ રજા આપી હતી. જ્યારે 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં પણ ધાબા પરથી પડી જવાના, મોઢાના ભાગે અને ગળાના ભાગે દોરી વાગવાના તેમજ નીચે પડી જવાના કારણે પગમાં ઈજા થઈ હોય તેવા કેસો સામે આવ્યા હતા. 33 દર્દીઓને સારવાર બાદ રજા આપી હતી. જ્યારે બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં એક દર્દીની હાલત ગંભીર છે.
શહેરની એસવીપી હોસ્પિટલમાં કુલ 15 જેટલા દર્દીઓ આવ્યા હતા. જેમાં 14 દર્દીઓને તાત્કાલિક સારવાર આપી અને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે જૂની VS હોસ્પિટલમાં 23 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ રજા આપી દેવામાં આવી હતી. નગરી આંખની હોસ્પિટલમાં પણ પતંગના કારણે ઈજા થઈ હોવાના બે જેટલા દર્દીઓ આવ્યા હતા. જેઓને પણ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.