ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં નિર્માણના પગલે રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 7 દિવસ સુધી ડોમેસ્ટિક ફલાઈટની હવાઈ સેવા બંધ રહ્યા બાદ ગઈકાલે તા.14નાં રોજ ઈન્ડિગો એર લાઈન્સ દિલ્હી, મુંબઈની બે ફલાઈટ શરૂ કરતા એરપોર્ટમાં 8માં દિવસથી ફરી હવાઈ સેવા પૂર્વવત થઈ હતી.
આજે માત્ર ઈન્ડિગોની 7 ફલાઈટ ઉપરાંત આતંર જિલ્લાને જોડતી રાજકોટ સુરતનું વિમાન ઉડતા હવાઈ મુસાફરોએ રાહત અનુભવી છે. હિરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે ઈન્ડિગો એર લાઈન્સની રાજકોટ, મુંબઈ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ, પૂના, બેંગ્લોરની ફલાઈટનું આવાગમન થયું હતું.
જેના પગલે એરપોર્ટ ફરી મુસાફરોની ચહલપહલથી ધમધમી ઉઠયુ હતું.આતંર રાજય-જિલ્લાની રાજકોટ સુરત વચ્ચે નાનું 9 સીટર વિમાન પણ ઉડવા લાગ્યું છે. રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ડેઈલી 10-11 ફલાઈટનું ઉડ્ડયન રહે છે. જેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ,પૂના, બેંગ્લોર, ગોવા, સુરતનો સમાવેશ થાય છે.
ગઈ કાલ તા.14મીથી મુંબઈ-દિલ્હીની એક એક ફલાઈટ સાથે રાજકોટ એરપોર્ટની હવાઈ સેવા પૂર્વવત થઈ હતી.રાજકોટ એરપોર્ટમાં એર લાઈન્સ કંપનીઓમાં ઈન્ડિગો એર ઈન્ડિયા હવાઈ સેવા પુરી પાડે છે.
ઈન્ડિગોએ ગઈકાલથી સેવા પુન: શરૂ કરી છે. જયારે એર ઈન્ડિયાએ આજે પણ સેવા બંધ રાખી છે જે કાલે તા.16મીથી એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હીની ડેઈલી ફલાઈટ શરૂ થનાર છે. હવાઈ સેવા પૂર્વવત થતાં ઉદ્યોગપતિઓ વેપારીઓ અને સ્ટુન્ટડ સહિતના મુસાફરો પર્યટકોએ રાહત અનુભવી છે.