વોશિંગ્ટન: યુક્રેન-રશિયા સહિતના યુદ્ધોની સમાપ્તી કરાવવાના મુદે આગળ વધી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને અમેરિકાને પણ ભવિષ્યના સંભવિત મિસાઈલ હુમલા સામે સુરક્ષિત રાખવા ઈઝરાયેલ સ્ટાઈલને ‘આયરન ડોન’ તૈયાર કરવા આદેશ આપ્યા છે. ખાસ કરીને ઉતર કોરિયા જે રીતે લાંબા અંતરના મિસાઈલ બનાવીને તેનું પરિક્ષણ કરી રહ્યુ છે અને રશિયા તથા ઉતર કોરિયા હવે લશ્કરી જોડાણ ધરાવે છે તેની ભવિષ્યમાં આંતરખંડીય મિસાઈલ અમેરિકા પર પણ ત્રાટકી શકે તેવી શકયતા ઉભી થઈ છે.
અમેરિકાના નવા સંરક્ષણમંત્રી પીટ હેમસેશએ પક્ષની બેઠકમાં આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે પ્રેસીડેન્ટ ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકા પણ આયરન ડોમથી સુરક્ષિત રહે તે જરૂરી છે. ઈઝરાયેલ પાસે જે મજબૂત મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ છે તે શા માટે અમેરિકા પાસે નથી તેવો પ્રશ્ર્ન શ્રી ટ્રમ્પે પૂછયો હતો. ખાસ કરીને ભવિષ્યની ઘાતક મિસાઈલ સીસ્ટમને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ‘સુરક્ષીત દિવાલ’ ઉભી કરવા પર ટ્રમ્પે ભાર મુકયો હતો. હાલના યુદ્ધમાં હમાસે ઈઝરાયેલ પર કુલ 342 ઘાતક મિસાઈલ દાગી હતી પણ તેમાં ફકત એક જ મિસાઈલ જમીન પર નુકસાન કરી હતી. બાકીની તમામ હવામાંજ તોડી પાડવામાં આવી હતી. ટ્રમ્પે આ જ પ્રકારે મિસાઈલ ડોમ સીસ્ટમ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે.