વિરાજ શાહ : “સોનું ખરીદનાર એ મૂરખ છે જે પીળાં રંગના પથરાં ભેગાં કરીને બેઠો છે, જેનો ઉપયોગ કોઈ જ નથી.” વોરન બફેટ. નોકરી છોડીને સ્વતંત્ર વ્યવસાય કરવાનો નિર્ણય લીધો હતો, તેવા સમયે એકવાર ઇન્ટરનેટ પર વોરન બફેટનું ઉપરોક્ત વિધાન વાંચ્યું હતું. તે સમયે રોકાણના વિવિધ નિષ્ણાતોને સાંભળવાની જબરી તાલાવેલી હતી. મોટાભાગના નિષ્ણાતો સરવાળે એમ જ કહેતાં કે, “રોકાણના અન્ય સાધનોની સરખામણીએ ઇક્વિટી સારું જ વળતર આપે છે.” ત્યારે ઘણીવાર માત્ર બીકોમનો અભ્યાસ કર્યાનો અને સારી બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ નહીં કર્યો હોવાનો વસવસો પણ થતો. ત્યારે એમ લાગતું કે કોઈક સારી બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોત તો કદાચ હું પણ એવું નક્કરપણે કહી શકત કે શા માટે ઇક્વિટી રોકાણના અન્ય તમામ વિકલ્પોની સરખામણીએ હંમેશા વધુ વળતર આપે છે. એમાં પણ બેએક વર્ષ પહેલાં સ્કેમ-1992 વેબસીરિઝ આવી હતી ત્યારે નવસવા બજારમાં આવેલ ઘણાં ટ્રેડર્સ પોતાનું ડી.પી. રાખતાં – “રિસ્ક હૈ તો ઈશ્ક હૈ”. બજારમાં રિસ્ક લઈને પૈસો કમાવા આધુનિક યુવાનો થનગની રહ્યા હતા. પણ, આજે જ્યારે પાછળ વળીને જોઈએ છીએ, બજારના ડેટા પર નજર કરીએ છીએ, ત્યારે પ્રશ્ન થાય છે, અને થવો પણ જોઈએ, કે “જેમાં જોખમ હોવાનું માનવમાં આવે છે, એ ઇક્વિટી શું ખરેખર અન્ય તમામ સાધનોથી વધુ વળતર આપે છે?” રિસ્ક હૈ તો ઈશ્ક તો હૈ, પર ‘પૈસા’ ભી હૈ કે નહિ?

બસ એક ટ્રમ્પ કાફી હૈ
આ કૉલમમાં જે કોષ્ટક રજૂ કર્યું છે, તેમાં ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિતીય કાર્યકાળ માટે સપ્ટેમ્બર 2024 ને ધ્યાને રાખ્યો છે. નવેમ્બર 2024 માં યુ.એસ.ના રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે છેક સપ્ટેમ્બર મહિનાથી ટ્રમ્પના જીતવાની આશા પ્રબળ બની હતી અને ત્યારથી વૈશ્વિક બજારોમાં બદલાવો શરૂ થયા હતા. એટલે સપ્ટેમ્બર 2024 પછીના સમયગાળાને ટ્રમ્પ 2.0 તરીકે ધ્યાને લીધો છે. આ કોષ્ટકમાં જોઈએ તો જણાય છે કે, ડોલરના ભાવોમાં (યુ.એસ. ગોલ્ડ) છેલ્લા 25 વર્ષ અને છેલ્લાં 10 વર્ષ – એમ બંને સમયગાળા માટે ટ્રમ્પ 2.0 પહેલાં સાડા નવ ટકા CAGR રિટર્ન આપી રહ્યું હતું. પરંતુ, ટ્રમ્પ 2.0 ને ગણતરીમાં લઈએ એટલે 25 વર્ષનું CAGR 12.5% અને 10 વર્ષનું CAGR 10.5% આવે છે. કેમકે, આ સમયગાળામાં યુ.એસ. ગોલ્ડના ભાવો 2625 ડોલરથી વધીને 3500 ડોલર સુધી પહોંચ્યા અને આ જ્યારે લખાઈ રહ્યું છે, ત્યારે ઘટીને 3300 ડોલર આવ્યા છે. આ આઠ મહિનામાં જ ડોલર ભાવે સોનામાં 25% નો વધારો થયો છે. એપ્રિલ માહિનામાં જે 3500 ડોલરની ટોચ જોવા મળી એ ભાવે ગણતરી કરીએ તો આઠ માહિનામાં 32% નો અધધ વધારો! સોનાના આવાં ધરખમ વળતરે દુનિયાભરના રોકાણના ગણિતો ઊંધા માથે ફેરવી દીધા છે.
‘ટ્રમ્પ ઇફેક્ટ’ સિવાય પણ સોનું આકર્ષક
ટ્રમ્પની બીજી ટર્મ નિશ્ચિત હોવાનો અંદાજ આવ્યો તે સપ્ટેમ્બર 2024 પહેલાંના સમયગાળાને જ ધ્યાને લઈએ અને છેલ્લા આઠ મહિનાના 25% ના ઉછાળાને બાકાત રાખીએ તો પણ, ડોલરના ભાવે સોનામાં સાડા નવ ટકાનો CAGR ગ્રોથ જોવા મળ્યો છે. આ તો માત્ર ડોલરના ભાવે જ વળતરની વાત છે. ભારતીય રૂપિયામાં તેનાં વળતરનો અભ્યાસ કરવા માટે થોડોક સોફેસ્ટીકેટેડ ડેટા જોઈએ. ડોલરથી રૂપિયાના વળતરમાં તફાવત હોય છે. આપણે 2011 થી 2016 દરમ્યાન જોયું હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2000 ડોલર થી ઘટીને 1200 ડોલર આવ્યું હતું ત્યારે ભારતીય બજારમાં તેનો ભાવ રૂ.22000 થી વધીને રૂ.33000 થયો હતો. કેમકે, આ સમયે રૂપિયો પણ ઘસાયો હતો અને USDINR 50 થી વધીને 65 થયો હતો. USDINR ત્રીસ ટકા વધ્યો અને રૂપિયાની ખરીદક્ષમતા ઘટી તેથી ભારતીય બજારમાં સોનાના ભાવો વધ્યાં અને તેનાં પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટી રહ્યો હોવા છતાં આપણાં બજારમાં સોનાના ભાવો વધતાં જોવાયા હતા.
GOLD 12% CAGR નું અર્થઘટન
ટ્રમ્પ 2.0 માં આપણે જોઈ રહ્યા છીએ કે સોનું 12 ટકા ના દરે છેલા 25 વર્ષનો કમ્પાઉન્ડ એવરેજ ગ્રોથ રેટ દર્શાવી રહ્યું છે. પાછાં આ ભાવો ડોલર ટર્મમાં છે. આની સામે યુ.એસ.નું ડાઉ જોન્સ 25 વર્ષમાં સાડા પાંચ ટકા અને 10 વર્ષમાં નવ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો. તેનો અર્થ એ થયો કે યુ.એસ.ના શેરબજારમાં રોકાણ કરવાં કરતાં સોનાંમાં રોકાણ કરવું સારું રહે. યુ.એસ.ના રોકાણકારો શા માટે ડાઉ જોન્સમાં રોકાણ કરે, જ્યારે સોનાંમાં જ તેનાથી વધુ વળતર મળી રહ્યું હોય? હકીકતમાં યુ.એસ.ના શેરબજારમાં જે ગ્રોથ દેખાઈ રહ્યો છે તે મોટેભાગે પેલા મેગ્નેફિસેન્ટ સેવન શેર્સ, એટલે કે એમેઝોન, આલ્ફા (ગૂગલ), મેટા (ફેસબૂક), એન વિડિયા, એપલ, માઇક્રોસોફ્ટ અને ટેસ્લાના ગ્રોથને આભારી છે. યુ.એસ.ના 45 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપમાં ત્રીજો ભાગ આ સાત શેરોનો હતો. હવે ટ્રેડ-વોરના ચક્કરમાં આ એમ-7 શેર્સમાં ઘટાડો ચાલી રહ્યો છે. આઈ.ટી. શેર્સ કે જે પંદર વર્ષમાં વીસ ગણા થયા છે, તેમાં હવે દેખીતું કરેક્શન ચાલી રહ્યું છે. અલબત્ત, વિતેલા અઠવાડિયે આઈ.ટી. શેર્સમાં લેવાલી જોવા મળી છે. પરંતુ, જ્યાં સુધી આ ટેરિફ વોરની અસમંજસ બનેલી છે, ત્યાં સુધી આ શેર્સનું ભવિષ્ય અધ્ધરતાલ છે. એટલે, જ્યારે સારો સમય હતો ત્યારે પણ યુ.એસ. માર્કેટ સોનાના વળતરને આઉટપરફોર્મ નહોતું કરી શક્યું અને હાલ જ્યારે ટેરિફ-વોર ચાલુ થયું છે, ત્યારે એવી આશા રાખી શકાય તેમ નથી. તો પછી યુ.એસ. શાની નંબર વન ઈકોનોમી અને ડોનાલ્ડ ટ્રમ્પને શાની ઠકરાશ? જ્યારે તમારા બિઝનેસીસ એટલી કમાણી ન કરતાં હોય કે સોનાના ભાવોને આઉટપરફોર્મ કરે, તો પછી શાનો વેપાર અને શાની બૂમાબૂમ? સંસ્થાગત રોકાણકારની જેમ વિચારીએ તો યુ.એસ. જેવી મેચ્યોર ઈકોનોમીમાં વળતર ઓછું હોય પણ તેને સલામત વિકલ્પ માનવમાં આવે છે. વધુ વળતર જોઈતું હોય તો થોડુક જોખમ લઈને વિકાસશીલ દેશોમાં રોકાણ કરવું પડે. ભારત જેવું ધબકતું અર્થતંત્ર અને લોકશાહીનો સુભગ સંગમ જવલ્લે જ જોવા મળવાના! આવું ધબકતાં અર્થતંત્રમાં પણ જે રિટર્ન મળે છે એટલું જ તો હાલ યુ.એસ. ગોલ્ડમાં મળી રહ્યું છે. તો પછી કોઈ જોખમ શા માટે લે?
રોકાણના મૂળભૂત સિદ્ધાંતોમાં વિચલન:
આમ, સમગ્ર ચર્ચાના અંતે, એવો નિષ્કર્ષ કરી શકાય કે, સોનાના હાલના જે ભાવો છે, તે એક અસાધારણ સંયોગ કહેવાય. અર્થતંત્રના મૂળભૂત સિદ્ધાંતોથી તે અલગ – વિચલિત જણાય છે. કેમકે, સીધે સીધું સોનામાં જ રોકાણ કરવાથી ધંધા-વ્યાપારથી વધુ વળતર મળતું હોય, તો તે અર્થતંત્ર માટે સારું નથી. પાછું અર્થતંત્રનો બીજો એક સિદ્ધાંત એ છે કે તે જાતે જ પોતાની ભૂલો સુધારતું રહે છે. એનો અર્થ એ થયો કે સોનું વેપાર-ધંધા કરતાં વધુ વળતર આપતું હોય એ ટ્રેન્ડ લાંબાગાળા સુધી ચાલુ રહેવાનો નથી. તે આપોઆપ કરેક્ટ પણ થાય. પણ, હાલનું આ જે સાધારણ ટ્રેન્ડમાંથી વિચલન છે, તે જરૂરી નથી કે આવતીકાલે કે મહિના-બે માહિનામાં સુધરી જાય. એવું બને કે આવું વિચલન હજુ એક-બે વર્ષ જળવાયેલ રહી શકે.
બજારના પર્ફોર્મન્સને માપવાનું ધારદાર હથિયાર:
બજારના પર્ફોર્મન્સને માપવા, બજાર રોકાણ માટે સારું છે કે રોકડી કરીને નીકળી જવા જેવું છે તેનો નિર્ણય લેવા માટે આપણે પ્રાઇસ ટુ અરનિંગ રેશિયો, માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો જેવાં પરિમાણોનો ઉપયોગ કરતાં રહ્યા છીએ. આ પરિમાણોમાં કેટલીક ત્રુટિઓ છે. જેમ કે, કોવિડ પહેલાં નિફ્ટીનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 32-34 પહોંચી ગયો હતો. પછી સરકારે કોર્પોરેટ ટેક્સનો દર 25% ઘટાડી 35% ટકાથી 25% કર્યો અને કંપનીઓની નફાકારકતા વધી ગઈ. આ બદલાવ સમજીએ તે પહેલાં તો બજાર કોવિડનો કડાકો બતાવી પાછું સડસડાટ વધી ગયું હતું. આ જ બદલાવ જો ઊંધી તરફ થયો હોત, સરકારે કરવેરાનો દર વધાર્યો હોત, તો આપણે PE રેશિયો વિષે શું અનુમાન કરી શકત? તેની સરખામણીએ સોનાના ભાવો આપણને એક સારો બેંચમાર્ક ઉપલબ્ધ કરાવે છે. આપણે જોયું છે કે, સામાન્ય સમયમાં સોનું નવ-સાડા નવ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધે છે. તેની સામે ભારતીય શેરબજાર બાર ટકાનો CAGR ધરાવે છે. તો જ્યારે નિફ્ટીનું 10 વર્ષ અને 25 વર્ષનું CAGR સાડા નવ ટકાની નીચે જાય, ત્યારે શું એ રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્તર ન હોય?