એનએસએ ડોભાલ સાથે બેઠક કરી : સેનાના જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી : ભારતની જવાબી કાર્યવાહીની પળેપળની વિગતો જાણી
ભારત પર પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઈલના હુમલા બાદ ગુરૂવારે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર કમાન સંભાળી લીધી છે. વડાપ્રધાને એનએસએ સાથે મોડી રાત સુધી મીટીંગ કરી હતી અને ભારતની જવાબી પ્રતિક્રિયાને લઈને પળ પળની જાણકારી મેળવતા રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ આવશ્યક ચીજવસ્તુઓ સહિતની સપ્લાય ન અટકે અને સંવેદનશીલ ઈન્ફ્રાસ્ટ્રકચરની સુરક્ષામાં ચુક ન રહે તે માટે 20 વિભાગના સચિવોને સુચના આપી છે. આ વિભાગોમાં અણુ, ઉર્જા, આઈટી, ગ્રાહક બાબતો, માર્ગ મકાન, રેલવે, શીપીંગ, ઉર્જા જેવા વિભાગોનો સમાવેશ થાય છે.
આ પહેલા વડાપ્રધાને આખો દિવસ મોટી બેઠકોનાં માધ્યમથી સ્પષ્ટ સંકેત આપી ચુકયા હતા કે પાકિસ્તાને ભારતીય સેના દ્વારા આતંકી અડ્ડા પર કાર્યવાહી બાદ જે રીતે પ્રતિક્રિયા આપી છે તેની તેને ભારે કિંમત ચુકવવી પડશે.
દિવસે પણ સૌથી પહેલા એનએસએ અજીત ડોભાલ સાથે વડાપ્રધાન મોદીની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી અહીં જ નકકી થઈ ગયુ હતું કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવાનો છે. ત્યારબાદ વડાપ્રધાને ગૃહસચીવ ગોવિંદ મોહન સાથે લાંબી બેઠક કરી હતી. મોદી આશ્વસ્ત થવા માંગતા હતા કે ઈમરજન્સી હાલતમાં આંતરિક મોર્ચા પર બધુ સજજ રહે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આધિન સીઆરપીએફ, બીએસએફ અને રાજય પોલીસ દળો સહિત બધા કેન્દ્રીય દળો આવે છે. એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ બધા રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તૈયારીઓની માહિતી લઈ ચુકયા હતા.
ગૃહસચીવ સાથે મુલાકાત બાદ મોદીએ બધા વિભાગોનાં સચિવો સાથે વાત કરી હતી. તેમણે ઈમરજન્સીને નજરમાં રાખીને પરસ્પર સંવાદ અને તાલમેલ સાથે આંતરિક વ્યવસ્થાને ચુસ્ત જાળવી રાખવાનું કહ્યું હતું.
બાદમાં મોદી સેના પ્રમુખને મળ્યા હતા અને આ મુલાકાતમાં લગભગ સ્પષ્ટ થઈ ગયુ હતું કે ભારત આસમાનથી માંડીને ધરતી સુધી પાકિસ્તાનની હરકતોના જવાબ આપવા તૈયાર છે.
વડાપ્રધાન મંગળવારથી જ સતત સક્રિય છે. મંગળવારે મોડી રાત્રે તેઓ એક કાર્યક્રમમાં હતા ત્યારબાદ પીએમઓમાં ઓપરેશન સિંદુરની યોજના પર કામ થવા લાગ્યુ હતું. તેમણે પીએમઓ પહોંચીને એનએસએ અજીત ડોભાલ અને અધિકારીઓ સાથે ઓપરેશનની બારીકીઓ પર ચર્ચા કરી હતી.
બુધવારે રાત્રે સેનાએ ઓપરેશન લોંચ કર્યું જેના પર મોદીની સતત વોચ રહી એક અધિકારીએ કહ્યું હતું કે વડાપ્રધાને સંકેત આપ્યો હતો કે રાત લાંબી રહેવાની છે દરેક રીતે તૈયાર રહેવાનું છે