વિશ્વભરમાં ઉડતી કાર પર કામ ચાલી રહ્યું છે. અનેક દિગ્ગજ ઓટોમોબાઈલ અને ટેક કંપનીઓ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે જેથી એવું વ્હીકલ બનાવી શકાય જે સામાન્ય કારની જેમ રસ્તા પર પણ દોડી શકે અને જરૂર પડ્યે હવામાં પણ ઉડી શકે. આવી જ એક સ્લોવાકિયન સ્ટાર્ટઅપ ક્લેઈન વિઝન (Klein Vision) એ પોતાની પ્રથમ ફ્લાઈંગ કાર/એર કારનું પ્રોડક્શન રેડી પ્રોટોટાઇપનું શોકેસ કર્યું છે. જેને લઈને સ્ટાર્ટઅપનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં તેને બજારમાં ઉતારી દઈશું.
ક્લેઈન વિઝન છેલ્લા ત્રણ દાયકાથી પોતાની ‘એરકાર’ પર કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે, પ્રોડક્શન રેડી મોડેલ સુધી પહોંચતા પહેલા આ કાર પ્રોટોટાઈપે 170થી વધુ ફ્લાઈંગ કલાકો અને 500થી વધુ ટેકઓફ અને લેન્ડિંગ પૂર્ણ કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં આ મોડેલને ફ્લાઈંગ સર્ટિફિકેટ મળ્યું હતું.
ક્લેઈન વિઝનની આ એર કાર આવતા વર્ષે માર્કેટમાં આવી જશે. ગત અઠવાડિયે બેવર્લી હિલ્સમાં લિવિંગ લેજેન્ડ્સ ઓફ એવિએશન ગાલા ડિનર દરમિયાન કંપનીએ આ એર કારના પ્રોટોટાઈપનો ખુલાસો કર્યો હતો. આ અવસર પર કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે, ઉડતી કારને આવતા વર્ષે વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત 8 લાખથી 10 લાખ ડોલર USD (લગભગ 6.78 કરોડથી 8.47 કરોડ રૂપિયા)ની આસપાસ હશે.
ક્લેઈન વિઝનનો દાવો છે કે તેનું જેટસન જેવું વાહન બે મિનિટથી ઓછા સમયમાં ચાર પૈડાવાળી કારમાંથી ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટમાં પરિવર્તિત થઈ જાય છે. ફ્લાઈંગ મોડથી ડ્રાઈવિંગ મોડમાં તેના બદલાવના વીડિયોમાં તેનું પરફોર્મન્સ બતાવવામાં આવ્યું છે. જેમાં તમે જોઈ શકો છો કે, કારમાંથી વિંગ કેવી રીતે બહાર આવે છે. જે કંઈક અંશે હાર્ડટોપ કન્વર્ટિબલ જેવું લાગે છે. એકવાર ફ્લાઈંગ મોડમાં આવ્યા પછી તે સ્પોઈલર અને એલિવેટર પિચનો ઉપયોગ કરીને ડાઉનફોર્સ જનરેટ કરે છે.
AirCarની સ્પીડ કેટલી છે?
કંપનીનું કહેવું છે કે, તેનું લેટેસ્ટ વેરિએન્ટ રસ્તા પર 20 કિમી પ્રતિ કલાક અને હવામાં 250 કિમી પ્રતિ કલાકની રફ્તારે ઉડાન ભરી શકે છે. તેની મહત્તમ ફ્લાઈંગ રેન્જ 1000 કિમી છે. એટલે કે, એક વાર ઉડાન ભર્યા બાદ આ ઉડતી કાર સરળતાથી 1000 કિમીની સફર કરી શકે છે. આ ઉપરાંત કારમાં તેની રેન્જ 800 કિમી હશે. તેમાં 280 હોર્સ પાવરની મોટર મોટર આપવામાં આવી છે.
Klein Vision Aircarની સાઈઝ
ઉડતી કારની સાઈઝની વાત કરીએ તો કાર મોડમાં તેની લંબાઈ 5.8 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 1.8 મીટર છે. બીજી તરફ જ્યારે તેને પ્લેન મોડમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે તેની વિંગ બહાર આવે છે. ત્યારબાદ તેની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 8.2 મીટર થઈ જાય છે. તેની વિંગને કંપનીએ એવી રીતે ડિઝાઈન કરી છે કે, જે માત્ર એક બટન દબાવતા જ ઓટોમેટિકલી કારમાં ફિટ થઈ જાય છે.