કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમના ઉપયોગ પર ફરી સવાલો ઉઠાવ્યા છે. તેમજ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતાં આક્ષેપ કર્યો છે કે, મોદી સરકાર એક પછી એક સરકારી કંપનીઓ વેચી રહી છે. જો આમ જ ચાલતુ રહ્યું તો, મોદીજી એક દિવસ દેશ વેચી જતાં રહેશે. સરકાર અનામતને પણ નબળી બનાવી રહી છે. સરકારી નોકરીઓમાં નબળા વર્ગનો હિસ્સો ઘટ્યો છે.
અમદાવાદમાં ચાલી રહેલા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનમાં ખડગેએ આજે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની આકરી ટીકા કરી છે. તેમણે સરકાર પર ઈવીએમ હેકિંગનો આરોપ પણ મૂક્યો હતો કે, ભાજપ પોતાના ફાયદા માટે ઈવીએમનો ઉપયોગ કરે છે. વિશ્વભરના વિકસિત દેશો ઈવીએમના બદલે બેલેટ પેપર પર પરત ફર્યા છે. એક આપણે છીએ, જે ઈવીએમ પર નિર્ભર છીએ. સરકાર અનામતને પણ નબળી કરી રહી છે. સરકારી નોકરીઓમાં એસસી, એસટી, અને ઓબીસી માટે અનામત સતત ઘટી રહ્યું છે.
વડાપ્રધાન પર વધુ આક્ષેપ કરતાં કહ્યું કે, તેમના આધિન કોઈપણ બંધારણીય સંસ્થા સુરક્ષિત નથી. ચૂંટણી પંચ પણ નહીં. ઈવીએમની સંપૂર્ણ વ્યવસ્થા વિપક્ષને હરાવવા માટે ઘડવામાં આી છે. ભારતનો વિકાસ 2014 પહેલાં થયો હતો. પરંતુ ભાજપ વારંવાર દાવો કરી રહી છે કે, વિકાસની શરૂઆત વડાપ્રધાન મોદીના શાસનમાં થઈ. આજે એરપોર્ટથી માંડી પોર્ટ અને માઈનિંગની તમામ જાહેર સંપત્તિઓ ઉદ્યોગપતિ મિત્રોને સોંપાઈ રહી છે. જે દેશની સુરક્ષા માટે જોખમી છે. તેને અટકાવવુ પડશે. દેશ વેચાઈ રહ્યો છે.મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને ઘેરી કહ્યું કે, દેશની સ્થિતિ એટલી ખરાબ છે, યુવાનોમાં વિદેશ જવાનું પ્રમાણ વધ્યું છે. બેરોજગારી વધી રહી છે. યુવા બેરોજગારીથી બચવા માટે વિદેશમાં જઈ વસી રહ્યા છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. વિદેશ ગયેલા યુવાનોને બેડીમાં બાંધી પરત મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મોદી ચૂપ છે.