વિરાજ શાહ: ગયા અઠવાડિયે જણાવ્યુ હતું કે જ્યારે જ્યારે FII-DII ની લેવાલી-વેચવાલીમાં જ્યાં સરવાળે માલ ખરીદાયો હોય, એટલે કે સંસ્થાગત કુલ વેચાણ જેટલું થયું હોય તેનાથી વધુ લેણ થયું હોય છે, ત્યારે-ત્યારે બજારમાં સુધારો જોવાતો રહ્યો હોય છે. ગયા અઠવાડિયે આ જ સ્થિતિનું પુનરાવર્તન થયું. વિદેશી અને સ્થાનિક સંસ્થાઓએ મળીને કુલ લગભગ રૂપિયા ચોવીસ હજાર કરોડનો માલ ખરીદ્યો અને સરવાળે બજારમાં તેજી જોવા મળી. F&O એક્સપાયરી પણ અપેક્ષા મુજબ સારી રીતે પસાર થઈ. રોલઓવર સારું રહ્યું. નિફ્ટી ફ્યુચર એપ્રિલ વાયદામાં ઓપન ઇન્ટરેસ્ટ સવા કરોડ આસપાસ રહ્યું, જે પણ એક સારો સંકેત હતો. બધુ, બરાબર ગોઠવાયેલું હતું. પરંતુ. આખરે શુક્રવારે બજારમાં ઘટાડો નોંધાયો. ભારતીય સમય મુજબ ગુરુવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ઓટોમોબાઈલ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેના પગલે બજારનો માહોલ ખરડાયો. શુક્રવારે જાપાનનો નિક્કેઇ ત્રણ ટકા ઘટાડે બંધ રહ્યો. ભારતીય સમય મુજબ સાંજે ડાઉ જોન્સ દોઢ ટકા અને નેસ્ડેક ત્રણ ટકા ઘટ્યા હતા. શુક્રવારે યુ.એસ.ના આઈ.ટી. શેર્સમાં જે વેચવાલી જોવા મળી છે, તે ચિંતા વધારનારી છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની બે એપ્રિલની ડેડલાઇન નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં આ અઠવાડિયે ગુરુવારનું બજાર જોયાં સિવાય પોઝિશન લેવી હિતાવહ નથી.
ભારતીય આઈ.ટી. ક્ષેત્ર અને નેસ્ડેકનો સહસંબંધ:

શુક્રવારે આઈ.ટી. શેર્સમાં જે ઘટાડો જોવાયો, તેનાથી ચિંતા વધવાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય આઈ.ટી. કંપનીઓના શેર્સના ભાવ અને યુ.એસ.ની આઈ.ટી. કંપનીઓના શેર્સના ભાવ લગભગ એક જ દિશામાં ચાલતાં રહ્યા છે. મારા બજારમાં આવ્યા પહેલાં ભારતના બજારમાં ડોટ કોમ પરપોટો ફૂટ્યો હતો. એટલે એ સમયનો જાત અનુભવ નથી. પરંતુ, કહ્યા-સાંભળ્યાની વાતો પરથી, તેમજ ડેટા પરથી કહી શકાય કે તે સમયે પણ ભારતીય કંપનીઓ અને યુ.એસ.ની કંપનીઓની ચાલ લગભગ સમાંતર રહી હતી. જ્યારે ભારતમાં ડોટ કોમનો પરપોટો ફૂટ્યો હતો તે સમયે નેસ્ડેકમાં પણ કરેક્શન ચાલી રહ્યું હતું. ભારતમાં જ્યારે હર્ષદ મહેતાવાળી તેજી આવી હતી, ત્યારે યુ.એસ.માં આઈ.ટી. શેર્સ વધવાના શરૂ થયા હતા. 1992 માં સાડા છસો વાળો નેસ્ડેક માર્ચ 2000 માં વધીને 4900 આવ્યો હતો. આઠ વર્ષમાં તે આઠ ગણો થયો હતો. પરંતુ, ત્યારબાદ તે સરવાળે ઘટતો રહી, જાન્યુઆરી 2009 માં 1550 આસપાસ પહોંચ્યો હતો.
પંદર વર્ષમાં નેસ્ડેક બાર ગણો અને નિફ્ટી આઇટી અઢાર ગણો વધ્યા
ત્યાંથી જે તેજી શરૂ થઈ, તે પંદર વર્ષ ચાલી અને ડિસેમ્બર 2024 માં 19,500 સુધીના સ્તરો જોવાયા હતા. આ દરમ્યાન વચ્ચે કરેક્શન પણ આવ્યા. આઈ.ટી. શેર્સનું તોફાન મુખ્યત્વે 2008 પછી ચાલુ થયું હોવાનું કહી શકાય. સબપ્રાઇમ ક્રાઈસિસ પછી યુ.એસ.ની મોટી નાણાં સંસ્થાઓ પરનો લોકોનો વિશ્વાસ ડગ્યો હતો, ત્યારે રોકાણકારોને આઈ.ટી. શેર્સમાં મોટી તક જણાઈ હતી. આમ, 2009 માં નેસ્ડેક કે જે 1550 હતો તે ડિસેમ્બર 2024 માં 19,500 થઈને સાડા બાર ગણો વધ્યો, તે અરસામાં ભારતના બજારમાં નિફ્ટી આઈ.ટી. 2200 થી વધીને 43300 થઈ અને ઇન્ડેક્સ અઢાર ગણો થયો.
બંને ઇન્ડેક્સમાં સમાંતર કરેક્શનનો પણ ઇતિહાસ
જ્યારે જ્યારે નેસ્ડેકમાં કરેક્શન આવ્યા, ત્યારે ત્યારે નિફ્ટી આઈ.ટી. પણ કરેક્ટ થતો રહ્યો. જેમ કે, કોવિડ બાદની તેજીમાં 2022 આઈ.ટી. શેર્સમાં કરેક્શનનું વર્ષ રહ્યું. દેસેમ્બર 2021 માં નેસ્ડેક 16000 હતો તે ઘટીને જાન્યુઆરી 2023 માં 11000 આવ્યો, એટલે કે 31% ઘટ્યો, ત્યારે નિફ્ટી આઈ.ટી. 38,300 થી ઘટીને 26,800 થઈ હતી. એટલે કે નિફ્ટી આઈ.ટી.માં પણ ત્રીસ ટકાનું કરેક્શન જોવાયું હતું.
ચાર મહિનામાં નેસ્ડેકમાં ચૌદ ટકા અને નિફ્ટી આઈ.ટી.માં વીસ ટકાનું કરેક્શન
20 જાન્યુઆરીએ ચીનની કંપનીએ ડીપસિક રીલીઝ કર્યું એના એક મહિના પહેલાં નેસ્ડેક અને નિફ્ટી આઈ.ટી. પોતાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા. નેસ્ડેક ડિસેમ્બરમાં 20100 આસપાસ અને નિફ્ટી આઇટી 46000 આસપાસ હતા. જાન્યુઆરીથી શરૂ થયેલ કરેક્શનમાં છેલ્લે નેસ્ડેક 17300 અને નિફ્ટી આઈ.ટી. 36800 આવ્યા. લગભગ ત્રણ હજાર પોઈન્ટનું નેસ્ડેકમાં અને નવ હજાર પોઈન્ટનું નિફ્ટી આઈ.ટી.માં કરેક્શન જોવાયું છે. આમ, માત્ર ચાર મહિનામાં નેસ્ડેક ઉચ્ચ સ્તરોથી ચૌદ ટકા અને નિફ્ટી આઈ.ટી. વીસ ટકા તૂટ્યા છે. પંદર વર્ષની તેજીમાં જેટલું ઉમેરાયું એનો પાંચમો ભાગ માત્ર ચાર મહિનામાં સાફ થયો છે.
2014 પછી આઈ.ટી. શેર્સે બજારથી વધુ વળતર આપ્યું:


છેલ્લા એક દાયકામાં આઈ.ટી. શેર્સે બજારથી વધુ વળતર આપ્યું છે. આઈ.ટી. શેર્સ બજારને આઉટપરફોર્મ કરતાં રહ્યા. જાન્યુઆરી 2014 થી ડિસેમ્બર 2024 ના એક દાયકામાં નિફ્ટી પોણા ત્રણ ગણી થઈ, તો નિફ્ટી આઈ.ટી. સાડા ત્રણ ગણી થઈ. તેની સામે યુ.એસ.માં આઈ.ટી. શેર્સ અન્ય શેર્સની સરખામણીએ વધુ તેજીમાં રહ્યા. એક દાયકામાં ડાઉજોન્સમાં પોણા બે ગણો વધારો થયો, તો નેસ્ડેકમાં સાડા ત્રણ ગણાથી વધુનો સુધારો થયો. ટૂંકમાં, યુ.એસ.ના આઇ.ટી. શેર્સ ત્યાંના બહુધા સેક્ટર્સના શેર્સ કરતાં વધુ વધ્યા છે. ભારતમાં પણ એમ જ થયું છે, પરંતુ ભારતમાં પોણા ત્રણ અને સાડા ત્રણનો રેશિયો જોવાયો, જ્યારે યુ.એસ.માં પોણા બે અને સાડા ત્રણનો રેશિયો જોવાયો. આમ, એક દાયકામાં યુ.એસ.નું શેરબજાર મહદઅંશે આઈ.ટી. શેર્સના જોરે વધ્યું કહેવાય. જ્યારે ભારતના બજારમાં આઈ.ટી.ના વધારાની સાથે-સાથે અન્ય ક્ષેત્રો પણ સારું કરતાં રહ્યા.
હવે, ગુરુવારનો ઇંતેજાર:
સળંગ પંદર વર્ષ અને એમાં પણ એક દાયકાની ધરખમ તેજી પછી આજે પહેલીવાર આઈ.ટી. શેર્સમાં કોઈક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. ટ્રમ્પ ટેરિફ લાદવા જઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે કે અન્ય દેશો આઈ.ટી. સેવાઓ બાબત કેવો અભિગમ અપનાવે છે. શું ભારત સહિત અન્ય દેશો આલ્ફા (ગૂગલ), મેટા (ફેસબૂક), એમેઝોન જેવી કંપનીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ પર કોઈ જવાબી ટેરિફ લાદશે કે કેમ? શું યુ.એસ.ની સરકારને સસ્તા ભાવે સેવાઓ પૂરી પાડતી ભારતીય આઈ.ટી. કંપનીઓની સેવાઓ પર યુ.એસ. ટેરિફ લાદશે કે કેમ? આ બધા પ્રશ્નોના જવાબ બુધવારે રાત્રિએ અને ત્યારબાદ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં મળવાના છે. ત્યાં સુધી ‘થોભો અને રાહ જુઓ.’