ક્રૂ મેમ્બર જેટલા પણ પ્રવાસી નહી : ખાલીખમ ઉડતી ફલાઈટના વીડિયો વાયરલ : અમેરિકામાં હજુ પણ વિઝિટર્સની સંખ્યા ઘટી શકે છે
આમ તો દરેક દેશની પોતાની ખૂબીઓ હોય છે પણ અમેરિકા વિશે એવું કહેવાય છે કે તમે જો આખું યુએસ ફરી લો તો પછી દુનિયાના બીજા કોઈ દેશ ફરવાની ખાસ જરૂર નથી રહેતી.
એટલે જ અમેરિકા સૌથી વધુ ટુરિસ્ટ્સને આકર્ષતો દેશ છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્થિતિ બદલાઈ રહી છે અને યુએસના સોશિયલ મીડિયામાં ખાલીખમ ફ્લાઈટ્સના વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
જેમાં બે-ચાર રો ખાલી હોય તેવું નહીં પણ આખી ફ્લાઈટમાં આંગળીના વેઢે ગણાય તેટલા પેસેન્જર્સ જોવા મળી રહ્યા છે. જેમાં યુરોપ ઉપરાંત કેનેડા અને મેક્સિકોથી આવતી ફ્લાઈટ્સનો પણ સમાવેશ થાય છે.
હજુ થોડા દિવસ પહેલા લંડનથી ન્યૂયોર્ક આવેલી એક ખાલીખમ ફ્લાઈટના વિડીયોમાં પણ કંઈક આવા જ દ્રશ્ય જોવા મળ્યા હતા જેમાં ક્રુ મેમ્બર્સ જેટલા જ પેસેન્જર્સ આખી ફ્લાઈટમાં સવાર હતા. કંઈક આવી જ સ્થિતિ મ્યુનિકથી વેગસ આવેલી એક ફ્લાઈટની હતી.
જ્યારે ટોરન્ટોથી ફોર્ટ માયર્સ લેન્ડ થયેલી ફ્લાઈટ તો જાણે ભૂતીયા હોય તે રીતે ખાલીખમ હતી. લંડનથી શિકાગોની ફ્લાઈટમાં આવેલી એક મહિલાએ તો અમેરિકાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા એવું કહ્યું હતું કે તેણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય આવી ખાલીખમ ફ્લાઈટમાં પ્રવાસ નથી કર્યો.
યુએસના જે સ્ટેટ્સમાં સૌથી વધુ વિઝિટર્સ આવે છે તેમાં કેલિફોર્નિયાનો પણ સમાવેશ થાય છે, પરંતુ 2025માં આ સંખ્યામાં દસેક ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે. એકસ્પર્ટ્સનું માનીએ તો ચાલુ વર્ષમાં યુરોપથી અમેરિકા આવતા વિઝિટર્સમાં 42 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
જ્યારે કેનેડાથી આવતા વિઝિટર્સમાં તો 75 ટકા જેટલો ધરખમ ઘટાડો જોવા મળી શકે છે. અમેરિકાનું સૌથી મોટું શહેર ન્યૂયોર્ક પણ તેમાંથી બાકાત નથી અને 2025માં ન્યૂયોર્ક આવતા વિઝિટર્સની સંખ્યામાં ચારેક લાખ જેટલો ઘટાડો થઈ શકે છે.
ઈન્ટરનેશનલ ટુરિસ્ટ ઉપરાંત અમેરિકન્સ પણ હવે ખર્ચા ઓછા કરવા માટે હરવા-ફરવા પર કાપ મૂકી રહ્યા છે જેના કારણે યુએસની એરલાઈન્સના બિઝનેસને સીધી અસર થઈ છે.
બિલિયન્સ ઓફ ડોલરની અમેરિકાની ટુરિઝમમાં આવેલા આ અણધાર્યા ઘટાડા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે ઉભું થયેલું નેગેટિવ સેન્ટિમેન્ટ, ટેરિફ તેમજ ઈમિગ્રેશન પોલિસીને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
હજુ થોડા દિવસો પહેલા જ એવા સમાચાર પણ આવ્યા હતા કે ઈન્ડિયાથી અમેરિકા જતી ફ્લાઈટ્સના ભાડામાં પણ મસમોટો ઘટાડો થયો છે, કારણકે પેસેન્જર્સની સંખ્યા ઘટતા એરલાઈન્સ કસ્ટમર્સને આકર્ષવા માટે ટિકિટ પ્રાઈસ ઘટાડી રહી છે.