વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક એવા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પે 2017 થી 2021 દરમિયાન અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ કર્યો. આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિને વાર્ષિક કેટલો પગાર મળે છે? અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા ટ્રમ્પને કઈ કઈ સુવિધાઓ મળશે?
અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને વાર્ષિક 4 લાખ ડોલરનો પગાર મળશે. ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 3,45,81,420 રૂપિયા થશે. એટલે કે દર મહિને આશરે રૂ. 28 લાખ. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પને 50 હજાર ડોલર અલગથી મળશે. જે ટ્રમ્પને તેમના કપડાં અને અન્ય ભથ્થાં માટે મળશે. 50 હજાર ડોલરની રકમ ભારતીય રૂપિયામાં અંદાજે 42 લાખ રૂપિયા છે. જો તેમનાથી કોઈ રકમ ખર્ચ નથી થતી તો આ રકમ અમેરિકાની તિજોરીમાં ફરી જમા થઇ જાય છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે ત્યારે પોતાના નિવાસ સ્થાનને પોતાના મુજબ ડેકોરેટ કરવા માટે તેમને 1 લાખ ડોલર એટલે કે અંદાજે 84 લાખ રૂપિયા મળશે.
ડોનાલ્ડ ટ્રમ્પને મનોરંજન ભથ્થું, સ્ટાફ અને કુક માટે દર વર્ષે 19 હજાર ડોલર એટલે કે 60 લાખ રૂપિયા મળશે. આ સાથે દર વર્ષે ટ્રાવેલ એલાઉન્સ તરીકે એક લાખ ડોલરની રકમ મળશે. અંદાજે 84 લાખ રૂપિયાની આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે. ડોનાલ્ડ ટ્રમ્પને મુસાફરી માટે લિમોઝીન કાર, હેલિકોપ્ટર અને એરફોર્સ વન નામનું એરપ્લેન પણ મળશે. એરફોર્સ વન એરપ્લેનમાં લગભગ ચાર હજાર ચોરસ ફૂટ જગ્યા છે. તે ખૂબ જ સુરક્ષિત હોવાથી તેને ‘ફ્લાઈંગ કેસલ’ અને ‘ફ્લાઈંગ વ્હાઇટ હાઉસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સિવાય ટ્રમ્પને હેલ્થકેર, રસોઈ બનવવા માટે કુક, માળી અને અન્ય સ્ટાફ પણ મળશે. તેમજ તેમને અને તેમના પરિવારને ફૂલ સિક્યુરિટી પણ મળશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસમાં સ્થિત એક્ઝિક્યુટિવ રેસિડેન્સમાં રાખવામાં આવેલા યુએસ સરકારના ફર્નિચર અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાનો અધિકાર હશે.