- રાજ્યના ૮૭ રેલવે સ્ટેશનો ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યા છે.
- રૂ. ૧૬૪ કરોડના ખર્ચે પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ સ્ટેશનોનું એકસાથે વર્ચ્યુઅલ લોકાર્પણ થયું.
- રાજ્યમાં ૯૭ ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. આ યોજનામાં દેશના ૧૩૦૦ થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના ૮૭ સ્ટેશનોનું પણ ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૧૬૪ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજીત કાર્યક્રમમાં કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે.
રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામો આગવા વિઝન અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અમૃત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના જે ૧૮ સ્ટેશનોને પુનર્વિકસિત કરવાની કામગીરી પૂર્ણ થઈ અને વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા તેમાં શિહોર જંક્શન, ઉતરાણ, ડાકોર, ડેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલીતાણા, રાજુલા જંકશન અને સામખ્યાળી સ્ટેશનનો સમાવેશ થાય છે.