ખાખીને લાંછન લગાડતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના હીરાભાઈ માર્કેટ દીવાન બલ્લુભાઈ રોડ પર બે પોલીસકર્મીએ એક યુવકને દંડાથી બર્બરતા પૂર્વક માર માર્યો હતો. બન્ને પોલીસકર્મીએ યુવક પર ઢોરને પણ ન મારે તે રીતે આડેધડ દંડાઓ વરસાવ્યા હતાં. બાદમાં યુવકને ધક્કો મારીને નીચે પછાડી પેટના ભાગે લાતો મારી હતી. હાલમાં સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના જ્યાં બની ત્યાં એક પીસીઆર વેન પણ જોવા મળી રહી છે.
વીડિયોમાં દેખાતો યુવક ભાવેશ ઉર્ફે મંગો નટવરલાલ વાઢેર છે, જે કાગડાપીઠ વિસ્તારનો રીઢો ગુનેગાર છે જેના ઉપર મારામારી, ખંડણી, પોલીસ ઉપર હુમલો કરવાના અને લૂંટના મળીને 12 જેટલા ગુનાઓ દાખલ છે. આ સાથે ત્રણ વખત પાસા પણ થયેલા છે. આ શખસ નોટોરિયસ હોવાથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા પીસીઆર 76 તેને લેવા માટે ગઈ હતી. ત્યાં તે કાબુમાં ન રહેતા પોલીસે જરૂરી બળપ્રયોગ કર્યો હતો. આગળની ધોરણસર કાર્યવાહી ચાલુ છે.