ગાજવીજ – વિજળીના ચમકારા સાથે વરસાદથી નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા
અમદાવાદ
મહારાષ્ટ્ર સુધી આવી ગયેલુ નૈઋત્ય ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તે પુર્વે પ્રિ-મોન્સુન એકટીવીટી વ્યાપક બનવા લાગી હોય તેમ આજે રાજયનાં 89 તાલુકામાં સામાન્યથી માંડીને અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.અમદાવાદમાં મોડીરાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા નિંચાણવાળા ભાગોમાં ગોઠણબુડ પાણી ભરાયા હતા.
અમદાવાદમાં મોડીરાત્રે ગાજવીજ અને વિજળીનાં ચમકારા સાથે અચાનક વરસાદ તૂટી પડયો હતો. શહેરના એસજી હાઈવે જુગપુરા, સરખેજ, શાહીબાગ, વટવા, ઘોડાસર, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઈન્કમટેકસ, નવરંગપુરા, મણીનગર સહિતનો અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી.
બાપુનગર, અમદુપુરાના વિસ્તારોમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયા હતા.અને સવારે પણ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અમદાવાદ ઉપરાંત રાજયના અન્ય અનેક ભાગોમાં પણ વ્યાપક વરસાદ હતો. બનાસકાંઠામાં વાતાવરણ અચાનક પલટાયું હતું. અમીરગઢ, ઈકબાલગઢમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો.
હવામાન ખાતાનાં રીપોર્ટ મુજબ રાજયના કુલ 89 તાલુકામાં સામાન્યથી નોંધપાત્ર વરસાદ હતો.અરવલ્લીનાં મોડાસામાં સૌથી વધુ 60 મીમી વરસાદ પડયો હતો.
પાટણનાં સરસ્વતીમાં 55 મીમી, પાટણ તથા આંકલાવમાં 50-50 મીમી, મહેસાણામાં 46, પોસીનામાં 45, ઉંજામાં 47, આણંદમાં 43, સિધ્ધપુરમાં 39, વિજાપુરમાં 39, મેઘરજમાં 38 મીમી વરસાદ થયો હતો. તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો હતો. હજુ બે ત્રણ દિવસ પવનના જોર સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.