હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાક થી અનેક તાલુકાઓમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં ગઈ કાલે રાત થી વરસાદે અમદાવાદને રમધોળીયુ છે. ધોધમાર કમોસમી વરસાદ થી ચારેકોર પાણી ભરાયા હતા. તેમજ અનેક અંડરબ્રિજ ડૂબ્યાં હતા. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવી રહી છે.
મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી અનેક છે અને ઊભો પાક નાશ પામવાનો ડર ઊભો થયો છે. મકરબા અંડરબ્રિજ લગભગ આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે. સવારના લગભગ 8 વાગ્યે પણ સાંજનો સમય હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
ઉનાળાના આ સમયમાં પણ સૂર્યોદય જોવો લગભગ દુર્લભ થઈ ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અનેક અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ઓફિસો જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. અમદાવાદમાં પાંચ કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો.
સૌથી વધુ વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પડ્યો છે. જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, શિવરંજની, નેહરુનગર, સરખેજ મકરબા સહિતના વિસ્તારોમાં પડ્યો છે. અંદાજિત ચાર ઇંચ જેટલો વરસાદ ચાર કલાકમાં આ વિસ્તારોમાં પડ્યો છે.
બોડકદેવ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, ઘાટલોડીયા, બોપલ, થલતેજ, ઘુમા, ગોતા સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વહેલી સવારે ત્રણ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
શહેરના મકરબા વિસ્તારમાં આવેલો રેલવે અંડર પાસ વરસાદી પાણી ભરાવવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ડ્રેનેજના પાણી ઊભરી રહ્યાં છે.
અમદાવાદના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી ભારે વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા હતા. કમોસમી વરસાદ થી પરિસ્થિતિ વિકટ બની હતી.
બોપલ, શેલા, જોધપુર, પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડીયા, રાણીપ, જગતપુર, વૈષ્ણવદેવી, થલતેજ, મુમુતપુરા, શ્યામલ, સેટેલાઇટ, નિકોલ, નરોડા, સરદારનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વહરસી રહ્યો છે.
ભારે વરસાદ પડવાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મુમુતપુરા અંડર બ્રિજ વરસાદી પાણી ભરાવવાના કારણે બંધ કરવામાં આવ્યો છે.
વહેલી સવારે થોડો સમય રોકાયા બાદ બોપલ સહિતના શહેરના અન્ય વિસ્તારોમાં ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે. ભારે વરસાદના પગલે સવારે ઓફિસ કે અન્ય કામ માટે નીકળેલા નાગરિકોને ભારે હાલકીનો સામનો કરવો પડયો છે.