ટિકિટની નબળી વ્યવસ્થાથી ચાહકો નારાજ,જાણીતા ગાયક શંકર મહાદેવન પર્ફોમ કરવાના છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ મંગળવારે (ત્રીજી જૂન) અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. અમદાવાદમાં ત્રીજી વાર યોજાનારી આઈપીએલ ફાઈનલને પગલે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમસિમાએ છે. ઓપરેશન સિંદૂરને પગલે દેશભક્તિની થીમ પર આજે આઇપીએલનો સમાપન સમારોહ યોજાશે. જેમાં જાણીતા ગાયક શંકર મહાદેવન પર્ફોમ કરવાના છે.
લેઝર શૉનું પણ આયોજન
આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે આઇપીએલનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે 4:30થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે. જેમાં શંકર મહાદેવન દ્વારા ‘મા તુજે સલામ… લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ… , સબ સે આગે હેં હિન્દુસ્તાની…, આઇ લવ માય ઇન્ડિયા… જેવા ગીત પર પર્ફોમ કરવામાં આવશે.
ઈનિંગ્સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે. સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ આજેની ફાઈનલ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે. સેનાના ત્રણેય પાંખના વડાને પણ ફાઇનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ઉપસ્થિત રહે તેની સંભાવના નહિવત્ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આઇપીએલ ફાઈનલ માટે અત્યારસુધી 85 હજારથી વધુ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે. આ સિવાય 25 હજાર જેટલી ટિકિટ રીઝર્વ રાખવામાં આવી છે. આજની ફાઇનલમાં સમગ્ર સ્ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવશે. વિશાળ સ્ક્રીન પર પણ ભારતીય સેનાનો સતત આભાર માનતા મેસેજ મૂકવામાં આવશે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે 5 સુધી કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડશે. પરંતુ સાંજે 7 બાદ વરસાદની સંભાવના નહિવત્ છે. ભેજનું પ્રમાણ વધારે રહેતા પ્રેક્ષકો ઉકળાટથી ત્રસ્ત થઇ શકે છે.
કેફે, રેસ્ટોરન્ટમાં પણ વિશિષ્ટ આયોજન
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ માટે અમદાવાદની કેફે, રેસ્ટોરન્ટમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સ્ક્રીન પર ચાહકો મુકાબલો માણતાં-માણતાં ભોજન લઇ શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ વિશાળ સ્ક્રીન મૂકવામાં આવી છે.